Site icon Time News

Vadodara: MLA દ્વારા આયોજીત સમુહ લગ્નના સ્ટેજ પર દુષ્કર્મના આરોપીનું સન્માન, આરોપીએ સ્ટેજ પર નાચતાં નાચતાં નોટો ઉડાવી

વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ટ્રસ્ટ દ્વારા રવિવારે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાવવામાં આવેલા સ્ટેજ ઉપર દુષ્કર્મના આરોપી અને એક સમયના ધારાસભ્યના નીકટના કહેવાતા આકાશ ગોહિલનું સન્માન કરાતો અને સ્ટેજ ઉપર ડાન્સ સાથે નોટો ઉડાવતો વીડિયો વાઇરલ થતાં અસામાજિક તત્વો સામેની કાર્યવાહીની વાતોના ધજાગરા ઉડી ગયા છે.

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ટ્રસ્ટ દ્વારા રવિવારે આમોદર ખાતે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમૂહ લગ્નની પૂર્વ સંધ્યાએ ડાયરો રાખવામાં આવ્યો હતો. આ આયોજિત ડાયરમાં દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલનું તેના સાગરીતો દ્વારા સ્ટેજ પર ગુલાબનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. એતો ઠીક આરોપી આકાશ ગોહિલે સ્ટેજ પર નાચતાં નાચતાં નોટો ઉડાવી હતી. હાલમાં આરોપી આકાશ ગોહિલ જામીન પર બહાર આવ્યો છે. જામીન ઉપર બહાર આવેલો આકાશ જાણે દુષ્કર્મના ગુનામાં નિર્દોષ છૂટીને આવ્યો હોય તે રીતે ખૂશી મનાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું.

દુષ્કર્મ કેસનો આરોપી આકાશ ગોહિલનું સન્માન કરતા વાઈરલ વીડિયો અંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બાબતે હું બિલકુલ અજાણ છું. મને ખબર હોત તો સ્ટેજ ઉપર ચઢવા પણ દીધો ન હોત. આ વ્યક્તિને ડાયરાવાળા સાથે સંબંધ હશે એટલે આવી ગયો હતો અને પોતાના માણસો દ્વારા પોતાનું સન્માન કરાવવાનું નાટક કર્યું છે.

આ ઘટના અંગે વાઘોડિયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ નારણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભાજપનું બેવડું વલણ જનતા સમક્ષ દેખાયું છે. મુખ્યમંત્રી આવ્યા તે સ્ટેજ પર દુષ્કર્મના આરોપીનું સન્માન કરાવી નોટો ઉડાડી કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. જોકે, આ બધું ભાજપના શાસનમાં શક્ય છે. ગુના આચરો ભાજપનો ખેસ પહેરીલો તમામ ગુના માફ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, આરોપી આકાશ ગોહિલની જે તે સમયે ભાજપનો ખેસ ધારણ કરેલી તસવીરો અને રાજકીય અગ્રણીઓ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. તે સમયે વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી મુકી હતી.

આ પણ વાંચો, Ahmedabad: સાયન્સ સિટીમાં ‘વર્લ્ડ મીટિયરોલોજિકલ ડે’ અંતર્ગત વિદ્યાર્થીઓને હવામાન વિજ્ઞાન અંગે જાગૃત કરવામાં આવ્યાં

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version