વડોદરા: એક્ટિવા પર જતી મહિલાને દોરી વાગતા લેવા પડ્યા 250 ટાંકા
વડોદરા શહેરના કિશનવાડી રોડ પર ડિમ્પલ દરજી નામની મહિલા એક્ટિવા લઇને પસાર થઇ રહી હતી, તે સમયે અચાનક જ દોરી વચ્ચે આવી જતા દોરી મહિલાના મોઢામાં ફસાઇ ગઇ હતી. જેથી મહિલાના મોઢાના ભાગે 250 ટાંકા લેવા પડ્યા હતા. એક્ટિવા ચાલક મહિલા ડિમ્પલ દરજીને મોઢાના ભાગે દોરો વાગતા તુરંત જ તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. મહિલા હાલત હાલ સુધારા પર છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના ફતેપુરામાં રહેતો શબ્બીર કાસમભાઇ ધોબી ઝોમેટોમાં ફૂડ ડિલિવરી બોય છે. શનિવારે સાંજે હરણી વારસિયા રિંગ રોડ પરથી આવેલા એક ઓર્ડર લઈને તે કારેલીબાગથી જઈ રહ્યો હતો. ત્યારે સાંજના 4:15 વાગ્યે રોડ પર અચાનક દોરી આવતા શબ્બીરનું બાઈક સ્લીપ થઇ ગયું હતું અને તેને હાથ અને પગ પર ઈજાઓ પહોંચી હતી. ગળામાં દોરી આવી જતા ઘા પડી ગયો હોવાનું જણાતા રાહદારીઓ દ્વારા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ધારદાર દોરીથી ગળાની ત્રણ નસોકપાઇ જતાં 10થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા.
ઉત્તરાયણ પર્વે દર વર્ષે ચાઇનિઝ દોરીથી અનેક લોકોના ગળા કપાવવાની ઘટનાઓ સામે આવે છે. આ વખતે ઉત્તરાયણ પહેલા જ ચાઇનિઝ દોરીથી ગળા, મોઢા અને કપાળના ભાગે ઇજાઓ થવાની ઘણા બનાવ બન્યા છે, વડોદરા પોલીસ ચાઇનિઝ દોરી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરે છે પરંતુ તેમ છતાં ચાઇનિઝ દોરી માર્કેટમાં મળે જ છે. જેને કારણે ઉત્તરાયણ પર્વે અનેક લોકો દોરીથી ઘાયલ થાય છે. ભૂતકાળમાં ચાઇનિઝ દોરીથી મોતના બનાવો પણ વડોદરા શહેરમાં બની ચૂક્યા છે.