અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની ધરપકડ, ગુજરાત ATSએ આપી હતી માહીતી
અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની આફ્રિકાના સેનેગલમાં ધરપકડ કરી લેવામાં આવતાં વધુ એક ગેંગસ્ટરને પકડવામાં સફળતા મળી છે. રવિ પૂજારીએ અમદાવાદ સહિત ગુજરાતના બિલ્ડરો તેમજ રાજકારણીઓ પાસે ખંડણી માગી છે. આ સિવાય બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકોને ડરાવવાનું કામ પણ તે કરતો હતો. રવિ આફ્રિકામાં છુપાયો હોવાની વિગતો સેન્ટ્રલ એજન્સીઓને ગુજરાત એટીએસએ આપી હતી. આ માહિતીથી ગઇ કાલે રવિ પૂજારી ઝડપાયો છે. અમદાવાદ સહિત રાજ્યમાં તેની વિરુદ્ધમાં ૧૧ ગુના દાખલ થયા છે.
રવિ પૂજારીએ ગત વર્ષે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની હત્યા કરવા માટે ધમકી આપી હતી ત્યારે અમૂલ કંપનીના એમડી આર. એસ. સોઢી પાસે રપ કરોડની ખંડણી માગી હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાંચ કરે છે. રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા પાસે બે દિવસ ફોન ઉપર રવિ પૂજારી ગેંગના શખ્સોએ પાંચ લાખ આપી દેવા માટે ખંડણી માગી હતી તો પાલડી વિસ્તારમાં આવેલી ઉમા સોસાયટીમાં રહેતા બિલ્ડર પરેશ પટેલ પાસેથી પણ પાંચ કરોડની ખંડણી માગી હતી. ડોન રવિ પૂજારીએ અવારનવાર ગુજરાત અને મુંબઇના ઉદ્યોગપતિ તેમજ ફિલ્મી ઇન્ડ્રસ્ટી સાથે સંકળાયેલા લોકો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માગી હતી. આવનારા દિવસોમાં રવિ પૂજારીને દેશમાં લાવવામાં આવશે તો ગુજરાત પોલીસ તેની ધરપકડ કરીને પૂછપરછ કરશે.
રવિ પૂજારી સેનેગલના ડકાર વિસ્તારમાંથી ઝડપાયો છે. રવિ પૂજારી પર બોલિવૂડના પ્રખ્યાત લોકો પાસેથી પૈસા વસૂલ્યા હોવાનો પણ આરોપ છે. તેની ધરપકડનો શ્રેય ગુજરાત એટીએસને જાય છે. ગુજરાત એટીએસના એસપી હિમાંશુ શુક્લાએ સેન્ટ્રલ એજન્સીઓને રવિ પૂજારી આફ્રિકા છુપાયો હોવાની ટિપ આપી હતી જેના કારણે આ સફળતા મળી છે. એટીએસના એસપી હિમાંશુ શુક્લાએ જણાવ્યું છે કે રવિ પૂજારીની માહિતી મળતાં સેન્ટ્રલ એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. હાલ ગુજરાતમાં રવિ પૂજારી વિરુદ્ધમાં ૧૧ ગુના દાખલ થયા છે.