ધર્મભક્તિ

મકરસંક્રાંતિના રહસ્યને સમજીને પર્વની ઉજવણીને સાર્થક કરીએ

 

મકરસંક્રાંતિનું હિન્દુધર્મના પ્રમુખ તહેવારોમાં મહત્વનુ સ્થાન છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશી ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને મકરસંક્રાંતિ અથવા ઉત્તરાયણ કહેવામા આવે છે. સમગ્ર ભારતવર્ષમાં આ તહેવારને અલગ અલગ નામે તેમજ અલગ અલગ રીતે વિવિધતાથી ઉજવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્ણાટક તેમજ કેરાલામાં ‘સંક્રાંતિ’; તામિલનાડુમાં ‘પોંગલ’;પંજાબ હરિયાણમાં ‘લોહડી’; આસામમાં ‘ભોગાલી બિહુ’; ઉત્તરપ્રદેશમાં ‘ખિચડી’; ગુજરાતમાં ‘ઉતરાણ’ તેમજ ઉત્તરાખંડમાં ‘ઉત્તરાયણ’ તરીકે ઉજવવામાં આવેછે.

ખાસ કરીને ગુજરાતમાં આ પર્વ દરમ્યાન પતંગ ચગાવવાનો મહિમા છે. સવારથી જ લોકો ધાબા પર પહોંચી જાય છે અને પતંગ ચગાવવાની મઝા માણે છે. આકાશ રંગ બેરંગી પતંગોથી છવાઈ જાય છે. ચારે બાજુ લપેટ-લપેટ, કાપ્યો-કાપ્યોની બૂમો સંભળાય છે. સ્પીકરનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. કેટલાક લોકોને પતંગ પકડવામાં વધુ મઝા આવે છે. આજકાલતો સાંજના સમયે ધાબા પરથી લોકો તુક્કલો ચગાવે છે તેમજ ફટાકડા ફોડી ખૂબ આતશબાજી કરે છે.

ઉત્તરાયણ એ પવિત્ર તેમજ પુણ્ય પર્વ છે કારણકે આ પર્વમાં દેવતાઓનું અયન થાય છે તેવું માનવામાં આવે છે. આ પર્વથી શુભ કાર્યોની શરૂઆત થાય છે. ઉત્તરાયણમાં મૃત્યુ થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય તેવું માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધન રાશીમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિ શનિની રાશિ છે. શનિ સૂર્યનો પુત્ર છે. અર્થાત આ દિવસે પિતા સૂર્યની પુત્ર શનિની રાશિમાં પ્રવેશતા થાય છે એટલે તેને શુભ માનવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય એક સ્થૂળ તારો છે તેમજ શનિ સૂર્ય મંડળનો એક સ્થૂળ ગ્રહ છે. તો આ ઘટનાને ફક્ત સ્થૂળ રૂપે ના લેતા તેના આધ્યાત્મિક મર્મ કે રહસ્યને જાણીને આ પર્વની ઉજવણી કરીશું તો વધુ લાભકારક તેમજ સાર્થક બનશે. સૂર્ય એ જ્ઞાન સૂર્ય જ્યોતિ સ્વરૂપ પરમપિતા પરમાત્મા શિવનું પ્રતિક છે. શનિ એ પ્રકાશ બિંદુ સ્વરૂપ મનુષ્ય આત્માનું પ્રતિક છે. સૂર્ય પુત્ર શનિની જેમ આપણે સૌ પ્રકાશબિંદુ સ્વરૂપ મનુષ્ય આત્માઓ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવની સંતાન છીએ. પુત્ર શનિની રાશિમાં પિતા સૂર્યનો પ્રવેશ અર્થાત મનુષ્ય આત્માના જીવનમાં તેના ઉધ્ધાર માટે જ્ઞાનસૂર્ય પરમાત્માનો પ્રવેશ જે હમેશાં કલ્યાણકારી છે. પરમાત્માની મનુષ્ય જીવનમાં પ્રવેશતા ફક્ત શુભ કે મંગળકારી છે એટલુજ નહીં પરંતુ આત્મા પોતાનું ગુમાવેલું દેવત્વ પુનઃ પ્રાપ્ત કરે છે, એટલે ઉત્તરાયણમાં દેવતાઓનું અયન થાય છે એમ માનવામાં આવે છે. ઉત્તરાયણનો સમયગાળો દેવતાઓનો દિવસ અર્થાત દેવયાન છે અને દક્ષિણાયણનો સમયગાળો દેવતાઓની રાત્રિ અર્થાત પિતૃયાન છે એવું માનવામાં આવે છે. આ દિવસે જો આપણે સ્વયંને આત્મા સમજીને જ્યોતિબિંદુ સ્વરૂપ શિવ પરમાત્માને યાદ કરીશું તો મકરસંક્રાંતિની ઉજવણી વધુ સાર્થક બનશે તેમજ આપણે દેવપદને પ્રાપ્ત કરી શકીશું.

આ દિવસે ગોળ-તલની સાંકળી, ઊંધિયું, જલેબી અને બોર ખાવાનો વિશેષ મહિમા છે. તલ અને ગોળ ખાવાનું એક રહસ્ય છે. તલ ઉપરથી કાળા અથવા બદામી હોય છે અને અંદરથી સફેદ હોય છે તેમજ ગોળ મીઠો- ગળ્યો હોય છે. આ તલ આપણને એ સંદેશ આપે છે કે બહારથી આપનો શારીરિક દેખાવ ગમે તેવો હોય પરંતુ અંદરથી આપણે તલની માફક ઉજળા રહીશું પવિત્ર રહીશું તો બધાને ગમીશું. તલને આપણે જો ઘસીએ તો બહારથી પણ સફેદ થઈ જાય છે. બ્રહ્માંડના પરિપેક્ષમાં આપણે સૌ અતિ શૂક્ષ્મ મનુષ્ય આત્માઓ પણ તલ સમાન છીએ જે આજે મહદઅંશે વિકારોના પ્રભાવમાં કાળી તેમજ તમોગુણી બની ગઇ છે. આધ્યાત્મિક જ્ઞાન તેમજ યોગ સાધનાથી આપણી આત્માને તલની જેમ ઘસીશું તો આત્મા શુધ્ધ તેમજ પવિત્ર બની જશે. ગોળ ખાવાનું રહસ્ય એ છે કે આપણે તલ સમાન આત્માઓએ ગોળ સમાન અતિ મીઠા તેમજ મધુર બનવાનું છે. આ ઉપરાંત તલની જેમ જેટલા આપણે નાના રહીશું અર્થાત અહંકારથી મુક્ત રહીશું તેટલા આપણે વાસ્તવમાં મહાન બનીશું. જ્યારે આપણે એમ માનીએ છીએ કે હું મોટો છું, કઈક વિશેષ છું ત્યારથી આપણી પડતીની શરૂઆત થાય છે.ઘમંડ કે મદ એક પ્રકારનો મોટો ભ્રમ છે.

ઉતરાયણને દિવસે ભલે આપણે ખૂબ પતંગ ચગાવીએ અને આનંદ લુટીએ. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આપણું મન પણ પતંગ સમાન છે જે હમેશાં આમ તેમ ઉડતું જ રહે છે. આ પવિત્ર દિવસે પતંગ ચગાવવાની સાથે સાથે આપણે આપણાં પતંગ સમાન મનને પરમધામ રૂપી આકાશમાં ઉડાડી પરમાત્મા સાથે જોડીશું તો સ્થૂળ આનંદની સાથે સાથે પરમાનંદ તેમજ અતિન્દ્રિય સુખનો અનુભવ પણ કરી શકીશું. જેમ પતંગ કાપીને આપણે મજા લુટીએ છીએ તેજ રીતે જો આપણે આ પવિત્ર દિવસે આપણી અંદર રહેલા નકારાત્મક વિચારોને તેમજ ઘર કરી ગયેલા કેટલાક વિકારોને કાપીશું તો કાયમ માટે જીવનનો આનંદ માણી શકીશું.
મકરસંક્રાંતિના દિવસે તીર્થ સ્થાનોમાં, પવિત્ર નદીઓના સંગમ પર સ્નાન કરવાનું પણ ખૂબ મહત્વ છે. પરંતુ સ્થૂળ સ્નાનની સાથે સાથે વર્તમાન સંગમ યુગના સમયે પરમાત્મા શિવ દ્વારા અપાઈ રહેલા દિવ્ય જ્ઞાનનું જો આપણે નિયમિત સ્નાન કરીશું તો આપણી આત્માને પાપોથી મુક્ત કરી ગુમાવેલા દેવત્વને પુનઃ પ્રાપ્ત કરી શકીશું.આ દિવસે દાન કરવાનો પણ પુષ્કળ મહિમા છે. પરંતુ સ્થૂળ વસ્તુઓના દાનની સાથે સાથે જો આપણે પરમાત્માએ આપેલા જ્ઞાનનું દાન કરી કોઈના જીવનને ઉજાગર કરીશું તો આ પવિત્ર પર્વને સાચા અર્થમાં મનાવ્યું ગણાશે.

તો આવો આપણે સૌ આ પર્વની ઉજવણી તેના સાચા મર્મને સમજીને કરીએ. ૧૪૩ દેશોમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય પણ વિશ્વભરમાં મકરસંક્રાંતિની ઉજવણી ઉપરોક્ત સદર્ભમાં વિશિષ્ટ રીતે કરે છે. સહજ રાજયોગ અને સત્ય ગીતાજ્ઞાનનું શિક્ષણ પ્રાપ્ત કરવા આપના નજીકના બ્રહ્માકુમારી વિધાલય પર સપરિવાર પધારવા હાર્દિક ઇશ્વરીય નિમંત્રણ છે.

બ્રહ્માકુમાર પ્રફુલચંદ્ર શાહ, નડિયાદ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button