RTE એક્ટ અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં ફેબ્રુઆરીથી અપાશે પ્રવેશ
ગત વર્ષે આરટીઇની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ સહિત અનેક ગુંચવાડાઓ ના કારણે રાજ્યભરમાથી કુલ ૩૩,૮૮૩ બેઠકો ખાલી રહી ગઈ હતી. આ કારણે આ શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦ માં આરટીઇ માટેની પ્રવેશ પ્રક્રિયા માટેની કામગીરી આગામી ફેબ્રુઆરી માસથી જ શરૂ કરી દેવામાં આવશે એવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ગત વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં મોડું થવાના કારણે એક તરફ રાજ્યની પ્રાથમિક ખાનગી શાળાઓમાં ૩૩,૮૮૩ સીટ ખાલી પડી રહી હતી તો બીજી તરફ ર૯,ર૮૯ બાળકો શાળાઓમાં આરટીઇ અંતર્ગત પ્રવેશને લાયક હોવા છતાં એડમિશનથી વંચિત રહી ગયા હતા અનેક ગૂંચવાડાઓ બાદ વાલીઓને કંટાળીને છેવટે અન્ય ખાનગી શાળાઓમાં તેમના બાળકોને એડમિશન અપાવવાની ફરજ પડી હતી.
રાજ્યભરની શાળાઓમાં આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે એપ્રિલ મહિનામાં ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે, તેના પગલે જૂન-જુલાઈ સુધી પ્રવેશ પ્રક્રિયા બેથી ત્રણ તબક્કામાં ચાલે છે. ચાલુ વર્ષે આરટીઇના ફોર્મ વહેલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવશે. ગત વર્ષે આરટીઈ અંતર્ગત પ્રવેશ મળવા બાબતે પ્રક્રિયામાં ખૂબ મોડું થયું હોવાની ફરિયાદો ઊઠી હતી.
સરકાર દ્વારા ગુજરાતી માધ્યમની ૪૪૦થી વધુ, હિન્દી માધ્યમની ૮૦, અંગ્રેજી માધ્યમની ૨૫૫, ઉર્દૂની ત્રણ અને સીબીએસઇની તમામ શાળાઓને આરટીઇ એકટ હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં સમાવિષ્ટ કરાઇ છે.