નવા વર્ષના પ્રથમ દિવસે જ યુક્રેનનો રશિયા પર ડ્રોન એટેક, 20થી વધુનાં મોત

નવા વર્ષની શરૂઆત શાંતિના સંદેશ સાથે થાય તેવી અપેક્ષા વચ્ચે યુરોપના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. વર્ષ 2026ના પહેલા જ દિવસે યુક્રેન દ્વારા રશિયા પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના દાવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. ક્રેમલિનના જણાવ્યા અનુસાર, રશિયા કબજાવાળા દક્ષિણ ખેરસોન વિસ્તારમાં એક હોટલ-કેફેને નિશાન બનાવીને ડ્રોન હુમલો કરવામાં આવ્યો, જ્યાં નવા વર્ષની પાર્ટી ચાલી રહી હતી.

રશિયન અધિકારીઓના દાવા મુજબ, આ હુમલામાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના તે સમયે બની જ્યારે લોકો નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતા. અચાનક થયેલા ડ્રોન હુમલાએ વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી અને અનેક લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હોવાની માહિતી પણ સામે આવી છે.યુક્રેનના દક્ષિણ ખેરસોન વિસ્તારમાં રશિયા દ્વારા નિયુક્ત ગવર્નર વ્લાદિમિર સાલ્ડોએ જણાવ્યું કે આ હુમલો ખોરલી નામના તટીય ગામમાં થયો હતો, જે રશિયા નિયંત્રિત ક્રિમિયા નજીક આવેલું છે. અહેવાલ અનુસાર, સાલ્ડોએ ટેલિગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ડ્રોન સીધું હોટલ અને કેફે પર પડ્યું હતું, જ્યાં નવા વર્ષની ઉજવણી માટે લોકો એકત્ર થયા હતા.

આ ઘટનાએ રશિયા અને યુક્રેન વચ્ચે પહેલેથી જ તણાવગ્રસ્ત સંબંધોને વધુ વણસાડ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી બંને દેશો વચ્ચે ડ્રોન અને મિસાઈલ હુમલાઓમાં વધારો થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ આ પ્રકારનો હુમલો થવો એ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની શક્યતાઓ હજુ પણ દૂર છે.

આ હુમલા બાદ રશિયાના રક્ષા મંત્રાલયે એક વધુ ગંભીર આરોપ લગાવ્યો છે. મંત્રાલયે દાવો કર્યો છે કે યુક્રેન દ્વારા રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના એક નિવાસસ્થાનની નજીક પણ ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રશિયન મીડિયા દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં ઉત્તર-પશ્ચિમ રશિયાના જંગલ વિસ્તારમાં બરફ પર પડેલું એક ક્ષતિગ્રસ્ત ડ્રોન દેખાઈ રહ્યું છે.

મોસ્કોએ આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવી છે અને દાવો કર્યો છે કે આ હુમલો સીધો પુતિનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. રશિયન રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, 28 અને 29 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે નોવગોરોડ વિસ્તારમાં મોટા પાયે ડ્રોન હુમલો રોકવામાં આવ્યો હતો. અધિકારીઓએ દાવો કર્યો છે કે કુલ 91 ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા અને તમામને રશિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા.

રક્ષા મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ ડ્રોનમાં આશરે છ કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી હતી. જોકે, પુતિનના નિવાસસ્થાનને કોઈ નુકસાન થયું કે નહીં, તે અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. મંત્રાલયે આ હુમલાને સુયોજિત, બહુ-ચરણોમાં કરવામાં આવેલ અને ટારગેટેડ હુમલો ગણાવ્યો છે. બીજી તરફ, યુક્રેન તરફથી આ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢવામાં આવ્યા છે. કીવએ રશિયાના દાવાઓને સંપૂર્ણપણે મનઘડંત અને પ્રોપેગેન્ડા ગણાવ્યા છે. યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે રશિયા આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ભટકાવવા માટે આવા આરોપો લગાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *