20 કરોડ કર્મચારીઓની બે દિવસ દેશવ્યાપી હડતાળ, સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત
કેન્દ્ર સરકારની વિરોધી નીતિઓના વિરોધના કારણે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, બેન્ક યુનિયનોની બે દિવસની દેશવ્યાપી હડતાળનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ડાબેરી મોરચાના સમર્થનવાળા મજૂર અને ખેડૂત સંગઠનોએ પણ ૪૮ કલાકના આ બંધને પૂરો ટેકો આપ્યો છે.
આજથી બે દિવસ માટે બેન્કો, જાહેર પરિવહન, સરકારી કંપનીઓના કર્મચારીઓ હડતાળ પર ઊતરીને સરકાર પર દબાણ વધારશે. તેઓ રસ્તા પર ઊતરીને ચક્કાજામ પણ કરવાના હોવાથી દેશભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બે દિવસ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત ન થાય અને લોકોને રોિજંદા વ્યવહારમાં કોઈ તકલીફ ન પડે તે માટે સરકારે પ્રયત્નો આદર્યા છે, પણ ૪૮ કલાકની દેશવ્યાપી હડતાળથી કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર ખોરવાઈ જશે તે નક્કી છે.
ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિયેશન અને બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ બે દિવસની હડતાળમાં જોડાવવાની જાહેરાત કરી દીધી છે, જેના કારણે સરકારી બેન્કોમાં કોઈ કામકાજ થશે નહીં અને આર્થિક વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ જશે. ખાનગી ક્ષેત્રની કેટલીક બેન્કોએ પણ હડતાળને ટેકો જાહેર કર્યો છે. દેશભરમાં સરકારી બેન્કો, પોસ્ટ વિભાગની ઓફિસો અને વીમાની કચેરીઓ બંધ રહેવાથી લોકોને ભારે તકલીફ પડી રહી છે.
આ બે દિવસની હડતાળ દરમિયાન જોકે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં કામકાજ ચાલુ રહેવાની સંભાવના છે. એસબીઆઈની દેશભરમાં ૮પ હજાર શાખાઓ છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના પશ્ચિમ બંગાળના સંયોજક સિદ્ધાર્થ ખાને જણાવ્યું કે એસબીઆઈની તમામ શાખામાં કામકાજ ચાલુ રહેશે, જેથી લોકોને બેન્ક વ્યવહાર કરવામાં બહુ તકલીફ પડશે નહીં.