ગુજરાત

ગુજરાત વિધાનસભાના ત્રીજા સત્રના પ્રારંભે પુલવામા હુમલામાં શહીદ થયેલાં જવાનોને શ્રધ્ધાંજલિ

 

ગુજરાત વિધાનસભા ગૃહે પુલવામાંમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલાં શહીદવીરોને શ્રધ્ધાંજલિ પાઠવીને ૧૪મી ગુજરાત વિધાનસભાના ત્રીજા સત્રના પ્રારંભે વિધાનગૃહના નેતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તા. ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકવાદી હુમલામાં વીરગતિ પામેલા ૪૪ જવાનોને સમગ્ર ગૃહ વતી શ્રધ્ધાંજલી પાઠવતો શોક પ્રસ્તાવ રજુ કર્યો. વિપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સહિત ગૃહના સભ્યોએ તેમાં સૂર પૂરાવી આ રાષ્ટ્રવીરો પ્રત્યે શ્રધ્ધાંજલિ આપી હતી. વિધાનગૃહના નેતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શહીદોને શ્રધ્ધાંજલી પાઠવતાં રજુ કરેલો શોકપ્રસ્તાવ પત્ર.

 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ૨૦૧૯ના રોજ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં 44 જવાનો શહીદ થયા છે અને આજે પણ કાશ્મીરમાં આતંકવાદીઓ સામેની લડાઇ ચાલી રહી છે ત્યારે સેનાના વધુ 4 જવાનો શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે. આતંકવાદીઓ દ્વારા ઘણા સમયથી દેશની એકતા અને અખંડિતતા તોડવાના અને સમાજમાં ધર્મના નામે ભાગલા પડાવવાની પ્રવૃતિ પાકિસ્તાનની મદદથી ચાલી રહી છે. અને પુલવામા આતંકી હુમલો એ કાયરતાપૂર્ણ અને માનવતા વિહોણો હુમલો છે. આ સભાગૃહ એકમતે આ આંતકી કૃત્યને સખત શબ્દોમાં વખોડે છે. આતંકવાદીઓના આવા હુમલાથી આ દેશની જનતા, સેના કે સરકારો જરા પણ હિંમત હારશે નહીં. આતંકવાદી કૃત્યથી વીરગતિ પામેલા શહીદોના પરિવારજનો જે રીતે પ્રત્યાઘાત આપી રહ્યા છે ત્યારે દેશને ગર્વ થાય છે કે કોઇ માતા-પિતા એમ કહે છે કે મારો બીજો દીકરો હોત તો અમે એને પણ સેનામાં ભરતી કરી દેશની સરહદે લડવા મોકલ્યો હોત.

જે સમગ્ર દેશની જનતાએ આ શહીદો પ્રત્યે વ્યાપક લાગણીઓ દર્શાવી છે અને તેમના કુટુંબીજનો માટે દરેક પ્રકારની સહાય દેશના દરેક ખુણામાંથી અવિરત આવી રહી છે. કેન્દ્ર સરકારે પણ આ હુમલાની ગંભીરતા સમજીને વધુ કડક પગલાં ઉઠાવવાના શરૂ કરી દીધા છે અને આવનારા દિવસોમાં આનાથી પણ વધુ આક્રમક પગલાં ભરી આતંકવાદીઓ અને તેમની પ્રવૃત્તિઓનો સફાયો કરવામાં આવશે તેવી મને તેમજ દેશના દરેક નાગરિકને દૃઢ વિશ્વાસ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના વકતવ્યમાં જણાવ્યું છે કે, આતંકની આ ઘટના સંર્દભમાં જે આગ દેશના નાગરિકોના દિલમાં છે તેવી જ આગ મારા દિલમાં પણ છે. આતંકવાદીઓએ ગંભીર ભૂલ કરી છે અને તેનું પરિણામ તેઓને ભોગવવું પડશે અને શહીદોની સહાદત એળે નહીં જાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એ પણ જણાવ્યું હતું કે, વીરગતિ પામેલા શહીદોના લોહની એકએક બૂંદનો બદલો લેવામાં આવશે. બીજી તરફ આ ઘટના પછી દેશના નાગરિકોમાં પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે, દેશનો દરેક નાગરિક આજ સૈન્યની સાથે છે દેશના જવાનોની હિંમત વધારી રહ્યા છે ત્યારે દેશના નાગરિકોએ સેના પર, સરકાર પર ભરોસો રાખવાનો છે. દરેક દેશવાસી ઇચ્છે છે કે આતંકવાદીઓ અને આતંકવાદીઓની પ્રવૃત્તિઓનો સફાયો થાય. કેન્દ્ર સરકાર આતંકવાદી પ્રવૃત્તિઓ આ દેશની ધરતી ઉપર ન થાય તે માટે કડક પગલાં ભરવાના શરૂ કર્યા છે. આ સભાગૃહમાં શહીદોને શ્રદ્ધાંજલી આપી તેમના આત્માને પરમ શાંતિ મળે તેવી આપણે સૌં પ્રાર્થના કરીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button