TRAI નો નવો નિયમ લાગુ થશે 1 ફેબ્રુઆરીથી, મળશે પસંદગીની ચેનલ
આગામી 1 ફેબ્રુઆરીથી ટીવી ઉપર ચેનલોનું ગણિત બદલાઇ જશે. ટ્રાઈ(ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના ડીટીએચ અને કેબલ ઓપરેટર માટે નક્કી કરાયેલા નવા નિયમો સંપૂર્ણપણે લાગુ થઈ જશે. નિયમ હેઠળ ટ્રાઇએ ગ્રાહકોને પસંદગીની ચેનલ પસંદ કરવા અને ફક્ત તેના જ પૈસા ચૂકવવાની સુવિધા કરી આપી છે. તેનાથી ડીટીએચનું બિલ ઘટવાનો પણ દાવો કરાયો છે. મુખ્ય ડીટીએચ ઓપરેટરોમાં સામેલ ડિશ ટીવી, એરટેલ અને વીડિયોકોન ડીટુએચએ વેબસાઈટ અને ફોનના માધ્યમથી ચેનલના વિકલ્પો પસંદ કરવાની સુવિધા આપવાની શરૂઆત કરી દીધી છે. જોકે ટાટા સ્કાય વિકલ્પ લેવાથી ઈનકાર કરી રહી છે.
ટ્રાઈએ પેક બનાવવા માટે એક ટૂલ તૈયાર કર્યું છે. જે channel.trai.gov.in પર ઉપલબ્ધ છે. આ ટૂલથી તમે ભાષા, એસડી/એચડી વગેરે ફિલ્ટર સિલેક્ટર કરી પસંદગીની ચેનલ સિલેક્ટ/ ડિસિલેક્ટર કરી શકો છો. પછી વ્યૂ યોર સિલેક્શન પર ક્લિક કરવું પડશે. આગામી પેજ પર ઓપ્ટિમાઈઝ બટન પર ક્લિક કરવાનું રહેશે. તેનાથી તમારી જરૂર મુજબ બુકે અને અલગ-અલગ ચેનલનું સૌથી સારું કોમ્બિનેશન દેખાશે. આ યાદીને ડાઉનલોડ કરી, પ્રિન્ટઆઉટ લઈને ડીટીએચ કાંતો કેબલ ઓપરેટરને બતાવી લાગુ કરાવી શકો છો.
ફેબ્રુઆરીથી એક ચેનલનો એક ફિક્સ રેટ રહેશે. 130 રૂપિયા (પ્લસ ટેક્સ)માં 100 સ્ટેંડર્ડ ડેફિનેશન (SD) ચેનલ ઓપરેટર્સે ગ્રાહકોને બતાવવાની રહેશે. ફ્રી ટૂ ઇયર ચેનલ સિવાય ગ્રાહક જે ચેનલ સિલેક્ટ કરશે તેનો અલગથી ચાર્જ આપવાનો રહેશે. Zee, Sony, Network 18 સહિત ઘણી કંપનીઓ પોતાની ચેનલોની કિંમત જાહેર કરી ચુકી છે. જો ડીટીએચ ઓપરેટરની વેબસાઈટ કે એપનો ઉપયોગ કરો છો તો – વેબસાઈટ કે એપ પર જઈને પસંદગીની ચેનલ પસંદગી કરી શકો છો. એચડી, સ્ટાન્ડર્ડ(એસડી), પ્રકાર(કિડ્સ, સ્પોર્ટ્સ વગેરે) અને ભાષાઓના વિકલ્પ પણ ઉપલબ્ધ થશે. સાથે જ બ્રોડકાસ્ટર્સ દ્વારા કરાયેલા બુકે પણ દેખાશે. અમુક મોટા કેબલ ઓપરેટરોએ પણ તેમની એપ લોન્ચ કરી છે. તેના પર જઈને પેક બનાવી શકો છો. ઓપરેટર 75 ફ્રી ચેનલની યાદી બતાવી રહ્યાં છે તમે 548 ચેનલ્સમાંથી કોઈ પણ ચેનલ માગી શકો છો.