આજે જસદણ પેટા ચૂંટણીનું પરિણામ, મત ગણતરી શરૂ
જસદણની પેટા ચુંટણીનું આજે રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. તે પૂર્વે આજે શનિવારે જસદણમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો પોતપોતાના ઉમેદવારને જીતાડવા માટે ભગવાનની પૂજા-અર્ચના કરતા હોય તેવું જોવા મળ્યું હતું. જસદણમાં આટકોટ રોડ ઉપર આવેલ જસદણ કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાને જીતાડવા માટે કોંગી કાર્યકરો દ્વારા હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જસદણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા પણ હાજર રહ્યા હતા અને ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. ત્યારે બીજીબાજુ જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને જીતાડવા માટે ભાજપના કાર્યકરોએ એક પગે ઉભા રહી રામધુન બોલાવી હતી.
ઉલ્લેખનીય છે કે 20મી ડિસેમ્બરના રોજ જસદણની પેટાચૂંટણી યોજાઈ હતી. જસદણમાં 71.27 ટકા મતદાન થયું હતું. 1,65,325 મતદારોએ મતદાન કર્યું હતું. સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મોટી સંખ્યામાં મતદારોએ વોટ આપ્યો હતો. ત્યારે જસદણની જનતા પણ રાહ જોઈને રહી છે. આજે મતગણતરી હોઈ અત્યારથી જસદણના ગલિયારામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે કોણ સત્તા પર આવશે
જ્યારે 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. એક જ સેન્ટરના 14 ટેબલ પર ગણતરી થશે. જસદણની મોડલ સ્કૂલ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકશે કે જસદણની જનતાએ પોતાના પ્રતિનિધિ તરીકે કોને પસંદ કર્યાં છે. 28 ચૂંટણી કર્મચારી દ્વારા મતગણતરીની કાર્યવાહી કરાશે. 17 માઈક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી. પેરામિલિટરીની એક ટીમ કંટ્રોલરૂમ પર હાજર રહેશે, જેથી સમગ્ર મતગણતરીની પ્રક્રિયા સરળ બનાવી શકાય.