National

ચંદ્રયાન-3 મિશન માટે આજે મહત્વનો દિવસ, શું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ફરી થશે એક્ટિવ ?

ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સ્લીપ મોડમાંથી બહાર આવવાના છે. 16 દિવસ સુધી સ્લીપ મોડમાં રહ્યા પછી શુક્રવારે (22 સપ્ટેમ્બર) ISRO દ્વારા લેન્ડર અને રોવરને એક્ટિવ કરવામાં આવશે.

ISRO (SAC)ના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ ગુરુવારે (21 સપ્ટેમ્બર) સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે અમે 22 સપ્ટેમ્બરે લેન્ડર અને રોવર બંનેને એક્ટિવ કરવાનો પ્રયાસ કરીશું અને જો અમારુ નસીબ સારુ રહ્યું તો તો તેઓ ફરીથી એક્ટિવ થઇ જશે. અમને કેટલાક વધુ પ્રાયોગિક ડેટા મળશે જે ચંદ્રની સપાટીની વધુ તપાસમાં ઉપયોગી થશે.

કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં માહિતી આપી

ચંદ્રયાન-3 મિશન અંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે દેશ હવે પ્રજ્ઞાન અને વિક્રમના થોડા કલાકોમાં ઊંઘમાંથી જાગવાની રાહ જોઈ રહ્યો છે, જો આવું થઈ જશે તો આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત પહેલો દેશ બની જશે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ચંદ્ર પર 14 દિવસની રાત સમાપ્ત થવા જઈ રહી છે અને અમે ત્યાં સૂર્યોદયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને તેની સાથે વિક્રમ અને પ્રજ્ઞાન એક્ટિવ થાય તેની પણ રાહ જોઇ રહ્યા છીએ. લેન્ડર અને રોવર બંનેને આ મહિનાની શરૂઆતમાં અનુક્રમે 4 અને 2 સપ્ટેમ્બરના રોજ સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા.

ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર લેન્ડર અને રોવર બંને સ્થિત છે. ત્યાં સૂર્યપ્રકાશ પડવાની સાથે તેમની સૌર પેનલો ચાર્જ થાય તેવી અપેક્ષા છે. ISRO હવે તેમની સાથે ફરી સંપર્ક સ્થાપિત કરવા અને તેની તપાસ કરવા માટે તૈયાર છે.

નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે અમે લેન્ડર અને રોવર બંનેને સ્લીપ મોડ પર મૂક્યા હતા કારણ કે તાપમાન માઈનસ 120-200 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની ધારણા હતી. ચંદ્ર પર સૂર્યોદય સાથે અમે આશા રાખીએ છીએ કે સૌર પેનલ્સ અને અન્ય વસ્તુઓ 22 સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણપણે ચાર્જ થઈ જશે. તેથી અમે લેન્ડર અને રોવર બંનેને એક્ટિવ કરવાનો પ્રયાસ કરીશું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button