ગુજરાતની 26 સહિત કુલ 94 બેઠકો માટે ત્રીજા તબક્કાની નોમિનેશન પ્રક્રિયા આજથી શરૂ , 7 મેના રોજ મતદાન
લોકસભા ચૂંટણી-2024ના ત્રીજા તબક્કા માટે આજથી નોમિનેશન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્રીજા તબક્કા હેઠળ 7 મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTS)ની 94 બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં આસામની 04, બિહારની 05, છત્તીસગઢની 07, દાદરા અને નગર હવેલીની 02, દમણ અને દીવની 02, ગોવાની તમામ 26, ગુજરાતની તમામ 26, જમ્મુ-કાશ્મીરની 01, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશની 8, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 04 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ છે.
ચૂંટણી પંચે દેશભરમાં સાત તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે. 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. ત્રીજા તબક્કા હેઠળ 7 મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં 94 મતવિસ્તારોમાં મતદાન થશે. તમામ ચૂંટણીઓની મતગણતરી 4 જૂને થશે.