વોલ સ્ટ્રીટનું બાદશાહ બન્યું અમેઝોન, માઇક્રોસોફ્ટને પછાડીને બની દુનિયાની સૌથી મોટી કંપની
માઈક્રોસોફટને પાછળ પાડીને એમેઝોન પ્રથમ વાર વિશ્વની સૌથી વધુ વેલ્યુએશનવાળી કંપની બની છે. સોમવારે અમેરિકાનું શેરબજાર બંધ થવા પર અમેઝોનની માર્કેટ કેપ 56 લાખ કરોડ રૂપિયા(796.8 અબજ ડોલર) રહી છે. જયારે માઈક્રોસોફટનું વેલ્યુએશન 54.81 લાખ કરોડ રૂપિયા (783.4 અબજ ડોલર) રહ્યું છે. ત્રીજા નંબર પર આલ્ફાબેટ અને ચોથા નંબર પર એપ્પલ છે
ગત સપ્ટેમ્બરમાં એમેઝોનની માર્કેટ કેપ 70 લાખ કરોડ રૂપિયા(1 ટ્રિલિયન ડોલર) સુધી પહોંચી ગઈ હતી. જોકે શેરમાં ઘટાડાને કારણે તે નીચે આવી ગઈ છે. અમેઝોન માટે નવા વર્ષની શરૂઆત સારી રહી છે. તેના શેર સોમવારે 3.4 ટકા વધારાની સાથે બંધ થયો હતો. ગત સપ્તાહે શેરમાં 8.5 ટકા તેજી આવી હતી.
અમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ લાંબા સમયથી વિશ્વના અમીરોના લિસ્ટમાં ટોપ પર હતા. બ્લૂમબર્ગ બિલિનિયર ઈન્ડેકસમાં 9.45 લાખ કરોડ રૂપિયા (135 અબજ ડોલર) નેટવર્થની સાથે બેજોસ નંબર-1 છે. બિલેનિયર ઈન્ડેકસમાં 6.44 લાખ કરોડ રૂપિયા(92 અબજ ડોલર)ની નેટવર્થની સાથે બિલ ગેટસ બીજા નંબરે છે.
સતત 7 વર્ષથી વિશ્વની સૌથી વેલ્યુએબલ કંપની રહ્યાં બાદ એપલ ગત વર્ષે ડિસેમ્બરમાં માઈક્રોસોફટથી પાછળ પડી હતી. હાલ 49.07 લાખ કરોડ રૂપિયા(701.1 અબજ ડોલર)ની માર્કેટ કેપ સાથે એપલ ચોથા નંબર પર છે.
જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક દરમિયાન પરિણામ એનાલિસ્ટોના અનુમાન મુજબ ન રહેવા અને આઈફોનનું વેચાણ ઘટવાના કારણથી એપલને નુકશાન થયું છે. એપલે ગત બુધવારે ડિસેમ્બર ત્રિમાસિકના રેવન્યુ ગાઈડન્સમાં 5.5 ટકાનો ઘટાડો કર્યો હતો. આ કારણે શેરમાં ગુરૂવારે 10 ટકાનો ઘટાડો આવ્યો હતો.