ગુડગાંવમાં પડી નિર્માણધીન બિલ્ડિંગ, કાટમાળની નીચે દબાયા 8 લોકો
ગુડગાંવના ઉલ્લાસ ગામમાં કન્સ્ટ્રક્શન થતી 4 ફ્લોરની બિલ્ડિંગ ધસી પડી છે. ગુરુવારે સવારે 5 વાગ્યે આ ઈમારત ધસી પડી હતી. આ સમયે અંદાજે 8 લોકો તેમાં હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે 8 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે. માહિતી મળતાં જ બચાવ અને રાહત ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ગુરુવારે સવારે જે બિલ્ડિંગ ધસી પડી છે તે ગુડગાંવના ઉલ્લાસ સેક્ટર-65માં આવેલી છે. અહીં બિલ્ડિંગ ધરાશાયી થતાં આસપાસની બિલ્ડિંગને પણ થોડું નુકસાન થયું છે. હાલ એનડીઆરએફની 3 ટીમ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, આ બિલ્ડિંગ ધરાશાયી થયું તે પહેલાં જ અહીં ધોધમાર વરસાદ થયો હતો. તેથી હાલ તો વરસાદના કારણે આ બિલ્ડિંગ ધરાશાયી થયું હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ગયા વર્ષે ગ્રેટર નોઈડાના શાહબેરી વિસ્તારમાં પણ એક ઈમારત ધરાશાયી થઈ હતી અને તેમાં 9 લોકોના મોત થયા હતા.