ત્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર, કોંગ્રેસ સહિતના કેટલાક દળો કર્યું વોકઆઉટ
મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી મુક્તિ આપતું બિલ લોકસભામાં પાસ થયું છે. લોકસભામાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ 2018 રજૂ કર્યું હતું. સદનમાં વોટિંગ બાદ બિલના પક્ષમાં 245 અને વિરોધમાં 11 વોટ પડ્યા હતા.256 હાજર સભ્યો સામે 245 મતથી લોકસભામાં બિલ પાસ થયું છે. બિલ પર વોટિંગ પહેલા જ વિરોધ પક્ષે વૉકઆઉટ કર્યું હતું. 11 સભ્યોએ ત્રિપલ તલાકના બિલ વિરુદ્ધ મતદાન કર્યું છે.
બિલ પાસ થતા ઓવૈસીએ કરેલા ત્રણ સંશોધનને બહાલી ન મળી. અન્ય વિપક્ષોના સંશોધનોને પણ બહાલી ન મળી. લોકસભામાં બિલ પાસ થતા હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો રાજ્યસભામાં બિલ પાસ થશે તો જ ત્રિપલ તલાકનો કાયદો બનશે. ગત વર્ષે પણ લોકસભામાં બિલ પાસ થયું હતું પણ રાજ્યસભામાં પાસ ન થયું.
આ અગાઉ મુસ્લિમોમાં ટ્રિપલ તલાકની પ્રથાને ગેરકાયદેસર ઠરાવતા અને તેના માટે આકરી સજાની જોગવાઇ કરતા આ સુધારેલા ખરડા પરની ચર્ચા શરૃ કરતાંં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ હતું કે, ટ્રિપલ તલાક ખરડો કોઇ સમુદાય, આસ્થા અથવા ધર્મ વિરોધી નથી.
આ ખરડો મહિલાઓને ન્યાય અને તેમના અધિકારો માટે છે. વિશ્વના ૨૦ ઇસ્લામિક દેશોમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ છે ત્યારે ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં શા માટે ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લાદી ન શકાય? ટ્રિપલ તલાક ખરડાને રાજકીય ચશ્માથી જોવો જોઇએ નહીં.