રાજ્યમાં પડી શકે છે હળવો વરસાદ, 48 કલાક સુધી કોલ્ડવેવની અસર
રાજ્યભરમાં ઓછા-વત્તા અંશે વાદળછાયું વાતાવરણ સર્જાતાં ઠંડીનું જોર ઘટ્યું હતું. ગઈ કાલે કચ્છમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આજે મહુવા ૯.૯ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી કોલ્ડેસ્ટ સિટી બન્યું હતું, જ્યારે રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરોનું લઘુતમ તાપમાન તપાસતાં ડીસા ૧૧.૮, વડોદરા ૧૦.૬, સુરત ૧૪.૦, રાજકોટ ૧૩.૫, ભૂજ ૧૨.૦, નલિયા ૧૧.૨ અને ગાંધીનગરમાં ૧૩.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હાલ થિજાવતી ઠંડી સામે છેલ્લા બે દિવસથી થોડીક રાહત અનુભવતા લોકોએ આવતી કાલથી ફરી શરૂ થનારા કોલ્ડવેવના મોજા માટે તૈયાર રહેવું પડશે. આ કોલ્ડવેવની અસર ૪૮ કલાક સુધી રહેવાની હોઈ ક્યાંક ક્યાંક હળવો વરસાદ પણ પડી શકે છે.
ગઈ કાલ સાંજથી રાજ્યમાં છવાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીની તીવ્રતામાં ઘટાડો થયો હતો. આજે શહેરમાં ૧૨.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન જેટલું જ હતું.