શાળાની બસોના સતત જીવલેણ અકસ્માતો બાદ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
હાલમાં ઉપરાઉપરી થયેલા શાળા બસોના ગંભીર અકસ્માતના પગલે રાજ્ય સરકારે શાળા અને કોલેજના પ્રવાસને લઈને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની
અધ્યક્ષતામાં મળેલી બેઠક અનેક મહત્વના નિર્ણય લેવાયા. સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ હવે રાત્રિના સમયમાં બસ મુસાફરી કરી શકાશે નહીં. આ ઉપરાંત રહેઠાણ માટે પણ યોગ્ય
વ્યવસ્થા કરવાની રહેશે.
સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક પૂરી થયા બાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ અંગે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આપણે જાણીએ છીએ તેમ છેલ્લા કેટલાક
સમયની અંદર બાળકોને, વિદ્યાર્થીઓને વિવિધ જગ્યાએ પ્રવાસે લઈ જતી વખતે બસોના અકસ્માત થયા છે. જેમાં બાળકો ઈજાગ્રસ્ત થયા છે અને અવસાન પણ થયા છે. સરકાર તરફથી
બાળકો માટે સહાય પણ જાહેર કરવામાં આવી છે. બધા બાળકોની સારામાં સારી રીતે સારવાર અત્યારે આપવામાં આવી રહી છે.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે ભવિષ્યમાં આવા બનાવો ન બને એ માટે સરકારે આજે નિર્ણય કર્યો છે કે શાળાના બાળકોને પ્રવાસે લઈ જતી બસો રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધી
પ્રવાસ કરી શકશે નહીં. એટલે કે જે બસો રાત્રે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની એવું ભવિષ્યમાં ન થાય એટલે હવેથી રાત્રે 11થી 6 વાગ્યા સુધી શાળાના
બાળકોને પ્રવાસે લઈ જતી બસો પ્રવાસ કરી શકશે નહીં. બાળકો માટે જે તે જગ્યાએ રહેઠાણની વ્યવસ્થા કરવાની રહેશે.