અમદાવાદ: રસ્તા પર ન કરતા વાહન પાર્ક, નહીંતર ચૂકવવો પડશે ચાર્જ
રાજ્યની પહેલી પાર્કિંગ પોલિસી-બાયલોઝને રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી દેતાં હવે ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં પણ નવી પાર્કિંગ પોલિસી અમલી થઇ રહી છે. આગામી સમયમાં અમદાવાદીઓ પણ સોસાયટી, કોમર્શિયલ કોમ્પ્લેકસ અને તેમના ખુલ્લા પ્લોટની જગ્યા પાર્કિંગ માટે ભાડે આપી શકશે એટલું જ નહીં, શહેરના પ્રીમિયમ ગણાતા રસ્તાઓ પર અમદાવાદ શહેરમાં નાગરિકોને હવે ઓન સ્ટ્રીટ પાર્કિંગ કરવા માટે ત્રણ કલાકના રૂ.૧૦થી ૬૦ ચૂકવવા પડશે. શહેરમાં ટૂંક સમયમાં લાગુ પડનારી પાર્કિંગ પોલિસી અંતર્ગત હવે શહેરના જાહેર રસ્તા પર કોઇ પણ નાગરિકને તેનું વાહન પાર્ક કરવું હશે તો તેના માટે પાર્કિંગના તગડા રૂપિયા ચૂકવવા પડશે.
રાજ્યના વાહન વ્યવહાર વિભાગે રાજ્યનાં મુખ્ય શહેરોમાં નવી પાર્કિંગ પોલિસીના અમલ માટે ચર્ચા-વિચારણા હાથ ધરી છે, તે મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર શહેરની પાર્કિંગની જરૂરિયાત પ્રમાણેની પાર્કિંગની પોલિસીની પ્રપોઝલ બનાવીને સરકારને રજૂ કરવા આદેશ કરશે. આ અંગે વાહન વ્યવહાર પ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે આ સપ્તાહમાં જ રાજ્યનાં મુખ્ય શહેરોમાં સુરતની જેમ પાર્કિંગ પોલિસી અમલી બનાવવા બાબતે ચર્ચા હાથ ધરાશે. ટૂંક સમયમાં અમદાવાદ સહિતનાં મુખ્ય શહેરોમાં પાર્કિંગ પોલિસીનો અમલ કરાવાશે.
શહેરમાં આવી રહેલી નવી પાર્કિંગ પોલિસી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક પોલીસ જેવી જ નડતરરૂપ પાર્ક કરાયેલાં વાહનો ટોઈંગ કરવાની, લોક મારવાની, દંડ સહિત શિક્ષાત્મક પગલાંની સત્તા મળશે. મોટા ભાગના મુખ્ય રસ્તા તેને જોડતા આંતરિક જાહેર રસ્તા જેવા શહેરમાં ઘણાં આવાં સ્થાન છે ત્યાં ઓન સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જ લાગુ થશે, જેમાં પાર્કિંગ ચાર્જ ઓછો વસૂલ કરાશે, તેવી જ રીતે મિલ્ટલેવલ પાર્કિંગ, ઓપન પ્લોટ, બીજાં જાહેર સ્થાન પર પાર્કિંગ થતાં વાહન પાસે ઓફ સ્ટ્રીટ પાર્કિંગ દર પ્રમાણમાં વધારે વસૂલવામાં આવશે, જેમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગ દર વધુ રાખવામાં આવશે.