સ્કુલોની નક્કી થયેલી ફી નોટિસ બોર્ડ-વેબસાઇટ પર મૂકવા DEOએ આપ્યો આદેશ
શહેરની વિવિધ સ્કૂલોની નક્કી થયેલી ફી જાહેર કરવામાં ન આવતા વાલીઓ દ્વારા વારંવાર ડીઇઓ કચેરીમાં રજૂઆત કરાઈ હતી. પરિણામે શહેર ડીઇઓ દ્વારા દરેક સ્કૂલોને પરિપત્ર કરીને સૂચના આપી છે કે સ્કૂલે એફઆરસીની નક્કી થયેલી ફીને પોતાની વેબસાઇટ પર મૂકવી અથવા સ્કૂલના નોટિસબોર્ડ પર લગાવવી. જેથી વાલીઓ સ્કૂલની ફી વિશે માહિતીગાર થાય.
સ્કૂલોની નક્કી થયેલી ફી વિશે વાલીઓ અજાણ હતા, કારણ કે એફઆરસીનો ફાઇનલ ફીનો ઓર્ડર વાલીઓને બતાવવામાં આવતો નથી. તેથી વાલીઓ હંમેશા મુંઝવણમાં રહેતા કે સ્કૂલની આખરે કેટલી ફાઇનલ ફી નક્કી થઇ છે. ઘણીવાર વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે ફાઇનલ ફી જાહેર કરવા મુદ્દે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. વાલીઓની માંગ હતી કે સ્કૂલે પોતાની ફી અંગેની માહિતી વાલીઓ સાથે જાહેર કરવી જોઇએ. હવે દરેક સ્કૂલે ફી અંગેની માહિતી જાહેર કરવી ફરજિયાત રહેશે. સાથે જ ઇન્સ્પેક્શન સમયે તમામ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવી છે કે સ્કૂલ વિઝીટ દરમિયાન સ્કૂલનું નોટિસ બોર્ડ અને વેબસાઇટ પણ ચેક કરવા.
જો કોઇ સ્કૂલ દ્વારા એફઆરસીએ નક્કી કરેલી ફી અંગેની માહિતી સ્કૂલની વેબસાઇટ પર કે નોટિસ બોર્ડ પર ન મુકવામાં આવી હોય તો વાલીઓ બીટના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અથવા જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે જાણ કરી શકશે. જેથી ડીઇઓ કચેરી દ્વારા તે સ્કૂલ સામે નિયમ પ્રમાણેના પગલા લેવાશે.