આવનાર દિવસોમાં સસ્તી થશે લોન, રેપો રેટમાં 0.25 ટકા ઘટાડાની સંભાવના
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ) 7 ફેબ્રુઆરીએ વ્યાજ દરોની જાહેરાત કરશે. એસબીઆઈના રિસર્ચ રિપાર્ટના જણાવ્યા પ્રમાણે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવી શકે છે. મોંઘવારીના દર આરબીઆઈના લક્ષ્ય પ્રમાણે હોવાને કારણે વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો આમ થશે તો તમામ પ્રકારની લોન સસ્તી થઈ જશે. રેપો રેટ એ દર છે જેની પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે. બેન્કોને સસ્તી લોન મળશે તો તે ગ્રાહકો માટે પણ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.
એસબીઆઈના ઈકોરેપ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ વ્યાજ દરોમાં ઘટાડાની શરૂઆત એપ્રિલથી કરી શકે છે. જોકે 7 ફેબ્રુઆરીએ પણ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવે તો પણ કોઈ આશ્ચચર્ય થશે નહિ.
આરબીઆઈએ છેલ્લી ત્રણ મોનિટરી પોલિસીની રિવ્યું બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે અગાઉ બે વખત રેપો રેટમાં 0.25-0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલનો રેપો રેટ 6.50 ટકા છે.