વાહન ચાલકને કાલથી ભરવો પડશે દંડ, જૂના વાહનોમાં HSRP લગાવવાની મુદત પૂરી
જૂનાં – નવાં તમામ વાહનોમાં ૩૧ ડિસેમ્બર સુધીમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. ૩૧ ડિસેમ્બર સુધીમાં વાહનોમાં આ નવી નંબર પ્લેટ નહિ હોય તો આવા વાહન ચાલક – માલિકનેદંડ ભરવો પડશે તેવી વાત હતી છતાં હજુ લાખોની સંખ્યામાં જૂનાં વાહનોમાં એચએસઆરપી નહીં લગાવેલી હોવાના કારણે સરકારે વધુ એક મહિનાની મુદત આપીને અંતિમ તારીખ ૩૧ જાન્યુઆરી જાહેર કરી હતી હવે આવતી કાલથી રસ્તા પર દોડનારાં એચએસઆરપી વિનાનાં તમામ જૂના વાહન ચાલકોએ દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.
જૂનાં અને નવાં વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવા અગાઉ છ-છ વખત મુદ્દત વધારવામાં આવ્યા બાદ હવે છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી નક્કી કરાઈ હોવા છતાં લોકો ઉદાસીન રહ્યા છે અને હવે મુદ્દત વધવાની સંભાવના ખૂબ ઓછી હોય એમ સરકારે હવે ૧ ફેબ્રુઆરીથી HSRP વિહોણાં વાહનોને દંડનીય કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરીને રાજ્યની દરેક આરટીઓ કચેરીઓમાં મોકલી આપ્યો છે. આથી શહેરમાં આવતી કાલે ૧ફેબ્રુઆરીએ એચએસઆરપી વિનાનાં બાઈકને રૂ. ૧૦૦, થ્રી વ્હીલરને રૂ. ૨૦૦, ફોર વ્હીલરને રૂ. ૩૦૦ અને અન્ય ભારે વાહનોને રૂ. ૫૦૦નો દંડ ફટકારાશે.
શહેરની સોસાયટીઓમાં તેમજ ગામડાંમાં પણ કેમ્પ કરવાની તૈયારી આરટીઓએ રાખી હતી તેના માટે ટાર્ગેટ પણ ફિક્સ કર્યા હતા એટલું જ નહીં શહેરમાં ડીમ્ડ આરટીઓને પણ એચએસઆરપી લગાવી આપવાની સગવડ કરી આપી હોવા છતાં લોકોએ ઉદાસીનતા દાખવી છે.