સ્વાઇન ફ્લૂને લઇને લીધેલા પગલા ચકાસવા હાઇકોર્ટે આપ્યો નિર્દેશ
રાજ્યમાં વકરેલા સ્વાઇન ફ્લૂના મામલે હાઇકોર્ટે અરજદારની રજૂઆત ધ્યાને લઇ તેને પૂરતા પ્રોટોકોલ સાથે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ દાવા મુજબ આઇસોલેશન વોર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ, તે સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેસની વધુ સુનાવણી આગામી શુક્રવાર પર મુલતવી રાખવામાં આવી છે.
આ કેસની વિગત એવી છે કે, રાજ્યમાં વકરેલા સ્વાઇન ફ્લૂ મામલે હાઇકોર્ટમાં થયેલી રિટમાં રાજ્ય સરકાર દ્વારા સોમવારે રજૂઆત કરાઇ હતી કે, સિવિલ હોસ્પિટલમાં 103 જેટલા બેડ આઇસોલેશન તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય ક્વાયત હાથ ધરાઇ છે. પૂરતો ઓક્સિજનના જથ્થો સાથે યોગ્ય લેબોરેટરી તૈયાર કરાઈ છે. જો કે અરજદાર તરફે એડવોકેટ કે.આર.કોષ્ટી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા કરવામાં આવતા દાવાઓની સચ્ચાઇ કેટલી તે ચકાસવી જોઇએ. તેમજ આ સચ્ચાઇ ચકાસવા માટે તેમને સિવિલ હોસ્પિટલ સહિત અન્યની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવે.
કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે અરજદાર તરફે કે.આર. કોષ્ટીને સિવિલની મુલાકાત લેવાની છૂટ આપી હતી. જો કે તેમને કહ્યું કે, તમે ખુલ્લા મને સિવિલ હોસ્પિટલની મુલાકાત લો. સિવિલમાં પ્રવેશવા માટે તમામ પ્રોટોકોલનું પાલન કરો તેમજ સાવચેતીપૂર્વક મુલાકાત લો. જે બાબતે અગામી દિવસોમાં અહેવાલ રજૂ કરવા પણ હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
બીજી તરફ અરજદાર તરફે સરકારની એફિડેવિટમાં એવી રજૂઆત કરી હતી કે , સિવિલના ટ્રોમા સેન્ટરમાં જ યોગ્ય પ્રમાણમાં તબીબો ઉપલબ્ધ નથી. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી છે. અમદાવાદમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના 618 કેસ અને 14 વ્યક્તિના મોત થયા છે.