બેન્કોમાંથી કરોડની લોન લઇને ભાગી જનાર 58 ભાગેડુઓ પર સરકારની નજર
ભારતની બેન્કોમાંથી કરોડોની લોન લઈને તેની રકમ પરત કર્યા વિના જ વિદેશમાં ભાગી ગયેલા 28 ભાગેડુ અને આર્થિક ગુનેગારોને ભારતમાં પાછા લાવવા સરકારે ગંભીર પ્રયાસો શરૂ કર્યા છે. કિંગફિશર એરલાઇન્સના માલિક અને શરાબના ઉત્પાદક વિજય માલ્યાને બ્રિટનમાંથી ભારત લાવવાનો કેસ ભારત સરકાર જીતી ગઈ છે. તાજેતરમાં વીવીઆઈપી ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં સરકારને સફળતા મળી છે. સરકારે 16 દેશોમાંથી ભાગેડુઓને પકડવા અને તેમનાં પ્રત્યર્પણ માટે યુકે, યુએઈ, અમેરિકા, બેલ્જિયમ, એન્ટિગુઆ, બર્બુડા તેમજ ઇજિપ્તને અરજી કરી છે.
બુધવારે સંસદમાં મોદી સરકારે આની માહિતી આપી હતી, જેમાં સરકારની નજર હાલ વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી, નીતિન અને ચેતન સાંડેસરા તેમજ લલિત મોદી. ગુઇડો હાશ્કે અને કાર્લો ગોરેસા જેવા 58 ભાગેડુઓ પર છે. આમાંથી કેટલાક સામે ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ બજાવવામાં આવી છે. આર્થિક ગુનેગાર જેવા આ ભાગેડુઓ ભારતમાં બેન્કોની લોન ચૂકવ્યા વિના યુએઈ, યુકે, બેલ્જિયમ અને અમેરિકા જેવા દેશમાં ભાગી ગયા છે. સરકારે ઓક્ટોબરમાં મિશેલ સહિત બે વચેટિયાનાં પ્રત્યર્પણની માગણી કરી હતી. સરકારે કહ્યું હતું કે આર્થિક ભાગેડુ ગુનેગાર કાયદા હેઠળ તેમની સામે કામ ચલાવાશે.