
ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. મંદિરના 500 મીટરના દાયરામાં નોનવેજ ભોજનનું વેચાણ, તૈયારી અને સ્ટોરેજ પર જે રોક લગાવવામાં આવેલી છે તે ચાલુ રહેશે. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હળવા અંદાજમાં એમ પણ કહ્યું કે ‘મીઠાઈ ખાઈને દિવાળી ઉજવો, વેજ કે નોનવેજને અલગ રાખો.’
જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ન બી વરાલેની પીઠે ગુજરાત હાઈકોર્ટના વચગાળાના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. અત્રે જણાવવાનું કે હાઈકોર્ટે આ અગાઉ માંસાહારી ભોજન પર લાગેલા પ્રતિબંધને વચગાળાના ધોરણ યથાવત રાખ્યો હતો.
સુનાવણી દરમિયાન રેસ્ટોરા માલિકો તરફથી એવી દલીલો કરાઈ હતી કે પ્રતિબંધના કારણે તેમનો વેપાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ જશે. જેના પર સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું કે આ મામલે યોગ્ય સંતુલન જાળવી રાખવાની જરૂર છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ પ્રસન્ન બી વરાલેએ માહોલને હળવો કરતા એમ પણ કહ્યું કે મીઠાઈમાં તો વેજ અને નોનવેજનું કોઈ ચક્કર હોતું નથી. આથી વજન વધવાની ચિંતા છોડો અને મીઠાઈ ખાઈને દિવાળીનો તહેવાર ઉજવો.
સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ પર પ્રતિબંધ
- ત્યાંના રેસ્ટોરા માલિકો આ પ્રતિબંધના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ ગયા હતા.
- ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજ પીઠે આ અરજી પર સુનાવણી કરતા પહેલા આ પ્રતિબંધને હટાવ્યો હતો.
- ત્યારબાદ રાજ્ય સરકારે આ આદેશને પડકાર્યો.
- સરકારની અપીલ પર હાઈકોર્ટની ખંડપીઠે માત્ર ગણતરીના કલાકોમાં સિંગલ જજના આદેશ પર રોક લગાવી.
- આ સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી લગાવવામાં આવેલો પ્રતિબંધ વચગાળાના ધોરણે ફરીથી અસરમાં આવ્યો.
સુપ્રીમ કોર્ટે આ મામલે જો કે કોઈ અંતિમ નિર્ણય આપ્યો નથી. કોર્ટે ગુજરાત હાઈકોર્ટને ભલામણ કરી છે કે આ કેસમાં પેન્ડિંગ અપીલોનો જલદી પતાવટ કરે. પીઠે કહ્યું કે શક્ય હોય તો બે મહિનાની અંદર આ મામલે ચુકાદો આપી દો. હાલ તો જો કે સુપ્રીમ કોર્ટના વલણ બાદ સોમનાથ મંદિરના 500 મીટરની ત્રિજ્યામાં માંસાહારી ભોજનના વેચાણ, તૈયારી અને સ્ટોરેજ પર પ્રતિબંધ ચાલુ રહેશે.
