વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતા પકડાયેલા આરોપીએ પોલીસ સ્ટેશનમાં કર્યું એવું કે…
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની એક એવી ઘટના સામે આવી જે જાણીને તમે પણ ગુસ્સાથી લાલચોર થઇ જશે. પોલીસ સ્ટેશનમાં ઓરોપીની જગ્યા જેલમાં હોય છે. પરંતુ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ અને પોલીસ વચ્ચે કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું જેમાં એક આરોપીએ પોલીસની ટોપી પહેરીને પોલીસ સ્ટેશનમાં જ સેલ્ફી પડાવી. ત્યારબાદ આ સેલ્ફીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેંગના કેપ્શન સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. ઇન્દર નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીર શેર કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે ઈન્દરનું સાચુ નામ કુલવિંદરસિંહ મક્કર છે અને તે પંજાબના લુધિયાણાના રહેવાસી છે. કુલવિંદર પંજાબમાં અનેક હોટલ ધરાવે છે અને તેની પાસે દારૂની પરમીટ પણ છે. પરંતુ તેણે દારૂ પીધો ન હતો. તે પોતાની પત્ની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદ આવ્યો હતો. તો જે સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે તેમાં આરોપીઓ છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે જાણે તેઓ પોલીસ સ્ટેશનમાં નહીં પણ કોઈ પબમાં હોય. બિદાસ્ત થઈને તેમણે પોલીસ કર્મચારીની ટોપી પહેરી લીધી. એટલું જ નહીં, ટોપી પહેરીને સેલ્ફી પણ પડાવી. ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરી. આ ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આરોપીઓમાં આટલી હિંમત આવી કેવી રીતે?
મહત્વનું છે કે ઉત્તરાયણની સાંજે વસ્ત્રાપુર પોલીસે ગુરુકુલ પાર્ક એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ પર દરોડો પાડી 21 લોકોને ઝડપી લીધા હતા. તમામને પોલીસ સ્ટેશન લાવીને તેમની બ્રેથ એનલાઈઝરથી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે 16 જેટલા યુવક યુવતીઓએ દારૂનું સેવન નહોતું કર્યું, આ લોકોને પોલીસના રેસ્ટ રૂમમાં રાખવામાં આવ્યા હતા. આ 16 પૈકીના જ એક સાક્ષી એટલે કે કુલવિંદરસિંહ મક્કરે પોલીસની કેપ પહેરી હતી અને ત્યારબાદ સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.