‘હરેન પંડ્યા હત્યા કેસના આરોપીને સજા માફી નહીં મળે’, ગુજરાત સરકારની હાઈકોર્ટમાં રજૂઆત

ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાના ચકચારભર્યા કેસમાં 12 દોષિતો પૈકીના એક એવા અનસ માચીસવાલાની સજા માફીની અરજી રાજ્ય સરકારે ફગાવી દીધી છે. બીજી બાજુ, ગુજરાત હાઇકોર્ટે આરોપી અનસ માચીસવાલાના પેરોલ દસ દિવસ માટે વધુ લંબાવી આપ્યા છે.
હરેન પંડ્યા હત્યા કેસમાં વર્ષ 2019માં સુપ્રીમકોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરમાવતાં 12 દોષિત પૈકીના એક અનસ માચીસવાલાએ તેની આજીવન કેદની સજાના ભાગરૂપે જેલમાં 13 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી તેણે સજા માફી આપવા માટે રાજ્ય સરકારમાં અરજી કરી હતી.
જો કે, રાજ્ય સરકાર દ્વારા 21 ઑગસ્ટ 2024ના નિર્ણય મારફતે અનસ માચીસવાલાની સજા માફી અંગેની અરજી ફગાવી દેવાઈ હતી. આ દરમિયાન અનસ માચીસવાલા જેલમાંથી પેરોલ પર છોડવામાં આવ્યો હતો. તેથી તેણે વધુ દસ દિવસ પેરોલ લંબાવવા હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. આ દરમિયાન રાજ્ય સરકારે હાઇકોર્ટનું ધ્યાન દોર્યુ હતું કે, અનસ માચીસવાલાની સજા માફી અંગેની અરજી સરકાર દ્વારા ફગાવી દેવાઈ છે.