2021ની વસતી ગણતરી ડિજીટલ સ્વરૂપે થશે – અમિત શાહ
દેશમાં પહેલી વખત 2021ની વસતી ગણતરી ડિજીટલ સ્વરૂપે થશે. તેના માટે કેન્દ્ર સરકારે એક ખાસ મોબાઇલ એપ વિકસિત કરવાનો દાવો કર્યો છે. એન્ડ્રોઇડ ફોન માટે આ એપનું નિર્માણ દેશમાં જ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યું કે ડિજિટલ પ્રક્રિયાથી જનસંખ્યાના આંકડાઓ ભેગા કરવાથી કાગળોથી થતી કામગીરીથી ઓછો સમય લાગશે. શાહે દરેક જરૂરી સુવિધાઓ માટે એક યુનિવર્સલ કાર્ડ લાવવાના સંકેત પણ આપ્યા. તેમણે કહ્યું કે આધાર, પાસપોર્ટ, બેન્ક ખાતા, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઇડી કાર્ડ વેગેરેના બદલામાં માત્ર એક કાર્ડની યોજના સંભવ છે.
ગૃહમંત્રીએ કહ્યું કે વસતી ગણતરીની નવી ટેક્નોલોજીમાં એવી પણ વ્યવસ્થા હશે કે જો કોઇ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય તો ઓટોમેટિક તે માહિતી જનસંખ્યાના આંકડાઓમાં અપડેટ થઇ જશે. જનસંખ્યાના આંકડા ભેગા કરવા મુશ્કેલ નથી. આ પ્રકારના કાર્યો લોકો સુધી સરકારી સુવિધાઓ પહોંચાડવામાં મદદરૂપ બને છે. 2021ની વસતી ગણતરીમાં પહેલી વખત નેશનલ પોપુલેશ રજિસ્ટર (NPR)તૈયાર કરવામાં આવી રહ્યું છે. NPR દેશમાં અલગ અલગ સરકારી સમસ્યાઓના સમાધાનમાં મદદ કરશે.
તેમણે કહ્યું કે આ પહેલી વખત હશે જ્યારે અન્ય પછાત વર્ગથી સંબંધિત આંકડાઓને વસતી ગણતરીમાં સામેલ કરવામાં આવશે. ડિજિટલ વસતી ગણતરી માટે 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે. 2021ની વસતી ગણતરી માટે 12 ઓગસ્ટથી શરુ થયેલું પરિક્ષણ આ મહિનાના અંત સુધીમાં પૂરું થઇ જશે.