ટાટા ટેકના શેરનું છપ્પર ફાડ લિસ્ટિંગ, એક જ ઝાટકે રોકાણકારોના રૂપિયા અઢી ગણા થઈ ગયા
ટાટા ટેકના આઈપીઓમાં જે નસીબદારને એલોટમેન્ટ મળ્યું છે તેને બમ્પર નફો થયો છે. Tata Technologies એ 30 નવેમ્બરના રોજ શેરબજારોમાં શાનદાર ભાવે લિસ્ટ થયો છે. IPO કિંમતના 140 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ કર્યું હતું. શેરે NSE પર રૂ. 1,200 અને BSE પર રૂ. 1,199.95 પર ટ્રેડિંગ શરૂ કર્યું, જ્યારે તેની ઇશ્યૂ કિંમત રૂ. 500 હતી.
BSE અને NSE પર તેનું લિસ્ટિંગ થયું ત્યારથી ટાટાના આ શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. ટ્રેડિંગ સેશન દરમિયાન તે રૂ. 1400ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેનો અર્થ એ કે તે પહેલા જ દિવસે 180 ટકાના પ્રીમિયમ પર પહોંચી ગયું છે. લગભગ 19 વર્ષ પછી આવેલા ટાટા ગ્રુપના આ શેરે રોકાણકારોની અપેક્ષા કરતાં વધુ મજબૂત વળતર આપ્યું છે. 2004માં TCSના શેર લોન્ચ થયા બાદ કંપનીનો આ પહેલો IPO છે.
ટાટા ટેક્નોલોજીના રૂ. 3,042 કરોડના આઇપીઓ માટે, રોકાણકારો પાસેથી રૂ. 1.56 લાખ કરોડથી વધુની બિડ મળી હતી. IPOનું કુલ સબસ્ક્રિપ્શન લગભગ 70 ગણું હતું.
ટાટા ટેકનો રૂ. 3,042.51 કરોડનો IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આ IPO ને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને 64.43 વખત સબસ્ક્રાઇબ થયા બાદ ઇશ્યુ બંધ કરવામાં આવ્યો હતો.