અમદાવાદમાં આઇસોલેશન વોર્ડ વગર સ્વાઇન ફ્લૂના દર્દીની સારવાર કરતી હોસ્પિટલોને સીલ કરાશે
અમદાવાદ શહેરમાં અનેક ખાનગી હોસ્પિટલોમાં ફલૂના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ ન હોવા છતાં પણ ફક્ત કમાણી કરવાના આશયોથી જ દર્દીને દાખલ કરવામાં આવે છે. જેના કારણે દર્દીનું જીવન અને હોસ્પિટલમાં સારવારગ્રસ્ત અન્ય દર્દીઓના જીવન જોખમમાં મુકાઇ રહ્યા છે. આ મામલે તંત્રએ ગઇ કાલે પ૦ જેટલી હોસ્પિટલોમાં તપાસ કરીને તે પૈકી સાત હોસ્પિટલને નોટિસ ફટકારી છે. જોકે સત્તાવાળાઓએ જો આવી હોસ્પિટલ નોટિસની અવગણના કરીને આઇસોલેશન વોર્ડ વગર દર્દીની સારવાર ચાલુ રાખશે તો તેને તાળાં મારી દેવાની ચીમકી પણ આપવામાં આવી છે. તંત્ર દ્વારા ગઇકાલે પશ્ચિમ ઝોનની ત્રણ, ઉત્તર પશ્ચિમ ઝોનની બે, દક્ષિણ પશ્ચિમ ઝોનની એક સહિત કુલ પ૦ ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફલૂના દર્દીઓને અપાતી સારવારના મામલે તપાસ હાથ ધરી હતી.
જેમાં પાલડીની એમ્સ હોસ્પિટલ દ્રારા મહિલાનાં મોતની જાણ તંત્રને ન કરવામા આવતા તેમજ અન્ય છ હોસ્પિટલને ઉપયોગમાં લેવાયા વગર જ પડી રહેલાં વેન્ટિલેટર સહિતનાં કારણસર નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે પૂર્વ અમદાવાદ કરતાં પશ્ચિમ અમદાવાદમાં સ્વાઇન ફલૂના દર્દીની સારવારમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇનનું પાલન નહીં કરતી ખાનગી હોસ્પિટલનું પ્રમાણ વધારે હોવા છતાં પણ હેલ્થ વિભાગ પશ્ચિમ અમદાવાદમાં તપાસના મામલે હજુ સુધી નિષ્ક્રિય જ છે તેવી ચર્ચા ઊઠી છે. દરમ્યાન હેલ્થનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.કુલદીપ આર્યાને તંત્રની ફક્ત નોટિસ આપવા પૂરતી કરાયેલી કાગમીરી અંગે પૂછતાં તેઓએ જણાવ્યુ હતું કે જે તે હોસ્પિટલને તાકીદ કરાઇ છે. જો તંત્રની તાકીદ બાદ પણ ત્યાંની વ્યવસ્થામાં સુધારો નહીં કરાય તો તેને તાળાં પણ મારવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં અપાતી સ્વાઇન ફલૂની સારવારની તપાસમાં ફક્ત પ૦ હોસ્પિટલથી અંત નહીં આવ્યો. શહેરમાં સંખ્યાબંધ ખાનગી હોસ્પિટલો હોય અને આગામી દિવસોમાં આ તપાસને વધુ ઘનિષ્ઠ બનાવાશે.