કાદરખાનના નિધનની ખબરને પુત્ર સરફરાઝે ગણાવી અફવા
81 વર્ષનાં અભિનેતા કાદર ખાનનાં નિધનનાં સમાચારો વચ્ચે તેમના દીકરા સરફરાઝે આ વાતને ફક્ત અફવા ગણાવી છે. કાદર ખાનનાં દીકરાએ જણાવ્યું કે તેના પિતા અત્યારે કેનેડામાં એક હૉસ્પિટલમાં છે, જ્યાં તેમની સારવાર ચાલે છે. સરફરાઝે વધુમાં કહ્યું કે, “આ તમામ સમાચારો ફક્ત અફવા છે. મારા પિતા અત્યારે હૉસ્પિટલમાં છે.”
જણાવી દઇએ કે લાંબા સમયથી બીમાર ચાલી રહેલા કાદર ખાનને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, જેના કારણે તેમને હૉસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. કાદર ખાનનાં સ્વાસ્થ્યને જોતા ડૉક્ટર્સે તેમને રેગ્યુલર વેન્ટીલેટરથી હટાવીને બાઈપૈપ વેન્ટીલેટર પર રાખ્યા હતા, ત્યારબાદ તેમના નિધનની અફવાએ જોર પકડ્યું હતુ. જો કે તેમના દીકરાએ કાદર ખાનનાં મોતનાં સમાચારોને ખોટા ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કાદર ખાનનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના સમાચાર સામે આવતા જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરતા કહ્યું હતુ કે, ‘કાદર ખાન ઘણા જ પ્રભાવશાળી એક્ટર અને રાઇટર છે. જેઓ અત્યારે હૉસ્પિટલમાં ભર્તી છે. હું તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.’ જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન કાદર ખાન સાથે ‘મિસ્ટર નટવરલાલ’, ‘સૂર્યવંશમ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘સુહાગ’ અને ‘શહેંશાહ’ જેવી ફિલ્મો કરી ચુક્યા છે.