વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઉડી મોદી કાર્યક્રમને લઇને અમેરિકાના હ્યુસ્ટન પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતે એક ગૌરવ લેવાની વાત એ છે કે, મૂળ સુરતનો સ્પર્શ શાહ જે જે જન્મથી જ ઑસ્ટિયોજેન્સિસ ઈમ્પરફેક્ટા (osteogenesis imperfecta) નામની બીમારીથી પીiડિત છે. તેણે અમેરિકાના એનઆરજી સ્ટેડિયમમાં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીત ગાયું હતું. આ અંગે સ્પર્શ શાહે કહ્યું હતુ0 કે હાઉડી મોદી કાર્યક્રમમાં મારા માટે આ ખૂબ મોટી વાત છે કે, હું આટલાં લોકોની સામે ગાઇ રહ્યો છું. હું રાષ્ટ્રગાન જન ગણ મન ગાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ઉલ્લેખનીય છે કે સ્પર્શ જન્મના 6 મહિના બાદ 35થી 40 ફ્રેકચર્સ થયા હતા.
સુરતીઓને પણ ગૌરવ અપાવે તેવી ઘટના
અમેરિકાના એનઆરજી સ્ટેડિયમમાં આજે(રવિવાર) હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે 50 હજારથી વધુ ભારતીયો હાજર રહ્યા. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હાજર રહ્યાં. હ્યુસ્ટનનું એનઆરજી ફૂટબોલ સ્ટેડિયમ અમેરિકાના મોટા સ્ટેડિયમમાનું એક છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ હાઉડી મોદી કાર્યક્રમમાં સુરતનો સ્પર્શ શાહ રાષ્ટ્રીય ગીત ગાયું. મૂળ સુરતનો સ્પર્શ શાહ ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પ્રફુલ્લ શાહનો પૌત્ર છે. સુરતીઓને પણ ગૌરવ અપાવે તેવી એક ઘટના બનવા જઇ રહી છે.
કોણ છે સ્પર્શ શાહ
મૂળ સુરતના અને અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાઈ થયેલા હિરેન પ્રફૂલચંદ શાહના ત્યાં જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે તે ખુશી લાંબો સમય ટકી શકી નહીં. જન્મના છ મહિના બાદ જ સ્પર્શને 35-40 ફ્રેકચર્સ થયા હતાં. સ્પર્શને ઓસ્ટિઓજેન્સીસ ઈમ્પરફેક્ટા નામની બીમારી છે. આ બીમારીમાં હાડકાં એકદમ નાજુક હોય છે. જેને કારણે વ્યક્તિ ચાલી કે દોડી શકતો નથી. તે સામાન્ય બાળકની જેમ હરી ફરી પણ શકે નહીં. આટલું જ નહીં સ્પર્શ જો કોઈની સાથે હાથ પણ મિલાવે તો તેને ફ્રેક્ચર થઈ જાય છે. 12 વર્ષની ઉંમર સુધીમાં સ્પર્શને 125થી વધુ ફેક્ચર્સ થયા હતાં. તેના શરીરમાં 22થી વધુ સ્ક્રૂ તથા આઠ સળિયા ફિટ કરવામાં આવ્યા છે.
અસાધ્ય બીમારી છતાંય હાર્યો નહીં
આટલી નાની ઉંમરમાં આવી બીમારી હોવા છતાંય સ્પર્શ ક્યારેય હિંમત હાર્યો નથી. બીમારી ક્યારેય તેના જુસ્સાને ઓછો કરી શકી નહીં. માત્ર ત્રણ વર્ષની ઉંમરથઈ સ્પર્શે કિ-બોર્ડ પર સંગીત વગાડવાની શરૂઆત કરી હતી. સાડા ત્રણ વર્ષની ઉંમરમાં સ્પર્શ માતા-પિતા સાથે કારમાં ફરવા ગયો હતો. કારમાં રેડિયોમાં એક ગીત વાગ્યું હતું અને સ્પર્શે તે ગીત યાદ કરી રાખ્યું હતું અને ઘરે આવીને ગાવાની શરૂઆત કરી હતી. રેડિયોમાં વાગેલા ચારથી પાંચ ગીત સ્પર્શને યાદ રહી ગયા અને તેણે ઘરે આવીને ગાયા હતાં. આ રીતે સ્પર્શની સંગીતકાર તથા સિંગર બનવાની શરૂઆત થઈ હતી. છ વર્ષની ઉંમરમાં સ્પર્શે પંડિત જસરાજ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મ્યૂઝિકમાં ઈન્ડિયન ક્લાસિક શીખ્યું હતું. સ્પર્શને અમેરિકન વોકલ મ્યૂઝીક પણ આવડે છે. સ્પર્શ માત્ર સિગિંગમાં જ નહીં પરંતુ ભણવામાં પણ અવ્વલ છે. તે પોતાના નાના ભાઈ અનુજ સાથે ફાજલ સમયમાં વીડિયો ગેમ્સ રમતો હોય છે.
નાની ઉંમરમાં મેળવી મોટી સિદ્ધિ
15 વર્ષની ઉંમરમાં આઠ વર્ષના ક્લાસિકલ સંગીતના અભ્યાસ બાદ સ્પર્શ ગાયક, ગીતકાર, રેપર તથા મોટિવેશનલ સ્પિકર તરીકે લોયપ્રિય છે. તેણે 27થી પણ વધુ ગીતો તૈયાર કર્યાં છે. તેણે વિશ્વભરમાં 100થી પણ વધુ લાઈવ પર્ફોમન્સ આપ્યા છે. ગૂગલ, યુએનમાં સ્પિચ, ટેડ ટોક શો, વોઈસ ઓફ ન્યૂયોર્કમાં અસંખ્ય એવોર્ડ્સ મેળવ્યા છે. સ્પર્શના સોશ્યિલ મીડિયામાં લાખો ફોલોઅર્સ છે.
પીએમ મોદીને મળવાને લઇને ઉત્સાહ
સ્પર્શ શાહ હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રગાન ગાવા મુદ્દે ખૂબ ઉત્સાહિત છે અને પીએમ મોદીને મળવાને લઇને પણ. સ્પર્શ શાહે પોતાના ફેસબૂક પેઈઝ પર લખ્યું છે કે મારા માટે આ ખૂબ મોટી વાત છે કે હું આટલાં લોકોની સામે ગાઇ રહ્યો છું. હું રાષ્ટ્રગાન જન ગણ મન ગાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મે પહેલી વાર મોદીજીને મૈડિસન સ્ક્વૅયર ગાર્ડન પર જોયાં હતાં, ત્યારથી હું મળવા ઇચ્છું છું, પરંતુ હું તેમને માત્ર ટીવી પર જ જોઇ શક્યો હતો.