મેયર, ડેપ્યુટી મેયર સહિતના લોકો માટે iPhone ખરીદવા સુરત તંત્રએ કર્યો લાખોનો ધુમાડો
પ્રજાના પૈસા પર નેતાઓ જલસા કરતા હોય તેનું એક ઉત્તમ ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. પ્રજાલક્ષી કામો માટે પૈસા ન હોવાનું બહાનું જણાવતાં સુરતના નેતાઓ દ્વારા પોતાના માટે લાખોની કિંમતના મોંઘાદાટ આઈફોન ફોન ખરીદવામાં આવ્યા છે. સુરત કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાસકપક્ષના નેતા માટે 256 જીબીનો iPhone એક્સએસ ફોન ખરીદવામાં આવ્યો છે.
iPhone નામ સાંભળતાં જ સામાન્ય જનતાનું મોઢું ખુલ્લુ રહી જાય છે. અને આટલો મોંઘોદાટ ફોન પોતાના ખિસ્સાને ન પરવડે તેવું લોકો માને છે. પણ લોકોના કરવેરામાંથી ચાલતાં સુરત કોર્પોરેશનમાં શાસન ચલાવતાં ભાજપના લોકોને ક્યાં ઘરનાં પૈસા ક્યા કાઢવા છે. સુરત કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાસકપક્ષના નેતા માટે 256 જીબીનો iPhone એક્સએસ ફોન ખરીદવામાં આવ્યો, અને આ એક ફોનની કિંમત સવા લાખ રૂપિયાની આસપાસ છે.
એટલે કે ચાર iPhone ખરીદવા માટે સુરત તંત્રએ રૂા.4.60 લાખનો ધૂમાડો કરી દીધો છે. હવે મેયર સહિતના પદાધિકારીઓ એવું તે ફોનમાં શું કામ કરવાના છે તે આટલાં મોંઘાદાટ ફોન જોઈએ. અને તે પણ 256 જીબીના. તેમને આટલી બધી સ્પેસની શું જરૂર હશે. એટલે દેખીતી રીતે વાત એ છે કે, ભાઈ ઘરનાં ક્યાં કાઢવાના છે. પ્રજાના જ છે ને. લૂંટો આપણે.
સુરત કોર્પોરેશનની તિજોરી તળિયાઝાટક છે. પ્રજાલક્ષી કામો માટે પૈસા ન હોવાને કારણે કોર્પોરેશન બોન્ડ બહાર પાડે છે. ત્યારે iPhone રૂઆબ દેખાડવા માટે પ્રજાના પૈસા ઉડાડવા કેટલા યોગ્ય છે. આ મામલે સુરત સત્તાધીશો કહે છે કે, નીતિ નિયમો મુજબ ફોન આપવામાં આવ્યા છે. ત્યારે iPhone જ કેમ આપવો પડે. 15 હજારની કિંમતમાં સારામાં સારો એન્ડ્રોઈડ ફોન આવી જાય છે. ત્યારે 1.15 લાખની કિંમતનો એક iPhone જ કેમ આપવો પડે. ત્યારે સુરતની જનતા પરસેવો પાડીને આકરો ટેક્સ ચૂકવે છે. ત્યારે મેયર સહિતનાં આ પદાધિકારીઓ એસી ઓફિસમાં બેસીને પ્રજાના પરસેવાની કમાણી ઉપર તાગડધિન્ના કરી રહ્યા છે.