
સુરત ખોલવડ વિસ્તારમાં ઓપેરા પ્રિન્સમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી છેલ્લા સાત વર્ષથી ધતિંગલીલા આચરતો ભુવો ગોપાલદાદા ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસડની પાપલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કામરેજ પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૭૨ મો સફળ પર્દાફાશ કર્યો હતો. મહિલા સંસ્થા-છાત્રાલયના નામે દુઃખી, મજબુર મહિલાઓનું શોષણ કરતો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો.
બનાવની વિગત પ્રમાણે માણાવદર તાલુકાના નાનડીયા ગામના વતની વિપુલ ઉર્ફે વ્રજલાલ ગોવિંદ જસાણી, સગા-સંબંધી સાથે રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાના કાર્યાલયે રૂબરૂ આવી આપવિતીમાં જણાવ્યું કે મારા લગ્ન પૂનમ સાથે તા. ૦૮-૦૨-૨૦૧૧ ના રોજ જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામે થયા હતા. સંતાનમાં બે દિકરી છે. સુખી સંસારમાં એકાએક સુરતના ભુવા ગોપાલદાદાએ મારી પત્નિ પૂનમને ભ્રમમાં નાખતા ઝઘડાઓ, બંને પક્ષના વડિલો તરફ તોછડું વર્તન પૂનમે કરતાં છેલ્લા સવા બે મહિનાથી સુરત ખાતે રહેવા જતા રહેલ છે. રાજકોટ, વડોદરા અને છેલ્લે સુરત ભુવાના ઘરની નીચે ભાડે બે દિકરી સાથે રહેવા ગયેલ છે. અત્યારે પૂનમનો તમામ ખર્ચ ભુવો ઉપાડે છે. બંને દિકરી દુઃખી છે. પૂનમ અલગ રહેવાના નિર્ણયમાં ભુવો ઉમેશ અને મોરબી ટાઉનશીપમાં રહેતો વિશાલ હરિભાઈ મુરસાણીયાના નામો આપવામાં આવ્યા હતા. વડોદરાથી ભગાડવામાં વિશાલે ગાડી મોકલી હતી. પૂનમ માતા-પિતા-ભાઈનું માનતી નથી. ભુવાના પ્રભાવમાં આવતાની સાથે પતિનું ગ્રામ્ય વ્યક્તિત્વ ગમતું નથી. ખોટા આક્ષેપો કરી હેરાન કરવું, ભુવો જ કેન્દ્રમાં હોય છૂટાછેડા સુધી વાત પહોંચી છે. સુખી સંસારમાં ભુવાએ આગ લગાડી છે. તપાસ કરતા ભુવાના મહિલા છાત્રાલયમાં આશ્રય આપ્યો છે તેવી હકિકત આપી હતી ખરાઈ કરતાં ખોટી વાત નીકળી હતી. ભુવો માથામાં સાંકળ મારી ધૂણે છે. મંત્ર-તંત્ર, સ્મશાનની વિધિ, લીંબુ-મરચા રૂપિયા બે હજારથી પચાસ હજારની ફી વસૂલે છે તેવી હકિકત આપવામાં આવી હતી. ભુવાનું સામ્રાજય, સાગરિતોની વિગત જાથાને આપવામાં આવી હતી. ભૂતડાદાદા ગમે ત્યારે મોતને ઘાટે ઉતારે છે. લોકોમાં ભય-ડર મુકવામાં આવ્યો હતો. ગ્રામ્ય જીવન જીવતા પરિવારની આંખમાં આંસુ આવી ગયા હતા. પર્દાફાશની વાત મુકી હતી.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાખે ખરાઈ કરવા મહિલા કાર્યકર ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર, રવિ પરબતાણીને સુરત ખાતે મોકલેલ. ભુવાના ધૂણવાના વિડિયો, ભોગ બનેલાએ આપવિતી જણાવતા હકિકત સાચી નીકળી હતી. પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું. સૌ પ્રથમ રાજયના મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ ગૃહ, પોલીસ મહાનિર્દેશક, આઈ.જી.પી. સુરત ગ્રામ્ય એસ.પી. ને પત્ર પાઠવી બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. ડીવાય.એસ.પી. આર. આર. સરવૈયા સાથે પુરાવા સંબંધી વાત કરવામાં આવી હતી. બે તબક્કામાં કામગીરીનું નક્કી થયું હતું. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાએ કામરેજ પોલીસ સ્ટેશનની જરૂરી સુચના મોકલી દીધી હતી. તેથી પો.ઈન્સ. એ. ડી. ચાવડાની દેખરેખ હેઠળ હેડ કોન્સ્ટે. જયેશભાઈ હરજીભાઈ, એ.એસ.આઈ. મોહિનીબેન રમણીકભાઈ, કોન્સ્ટે. પરબતભાઈ અભુભાઈ, ઘનશ્યામભાઈ અરવિંદભાઈ, એ.એસ.આઈ. બ્રિજેશભાઈ નરેશભાઈને જીપ્સી વાન સાથે જાથાને ફાળવવામાં આવ્યા હતા.
રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, ભક્તિબેન રાજગોર, વિપુલભાઈ જસાણી, અશ્વિનભાઈ જસાણી સ્થાનિક કાર્યકરો કામરેજ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. ઓપેરા પ્રિન્સમાં રહેતા ભુવો ગોપાલદાદા ઉર્ફે ઉમેશ ઉસડ હાજર ન હોય, પુરાવાના કારણે પોલીસ સ્ટેશને રૂબરૂ બોલાવવામાં આવેલ. બે વાર જાણ કરવા છતાં આવી શકું તેમ નથી જવાબ આપ્યો હતો. ડીવાય.એસ.પી. સરવૈયાને વાત કરતાં ભુવાના ઘરે અને ભ્રમમાં આવેલ પૂનમને સમજાવવાનું નક્કી થયું હતું.
વિજ્ઞાન જાથાની ટીમ, પોલીસ કાફલો ભુવાના ફલેટ સંકુલમાં પહોંચી ગયો. ઓપેરા પ્રિન્સના રહીશોને કૌતુક લાગતા બસ્સો માણસો ભેગા થયા. જાથાના જયંત પંયાને ઓળખી જતા તમામે સહયોગની ખાત્રી આપી દીધી. મહિલા પોલીસ મોહિનીબેને સમજાવવા પ્રયત્ન કર્યો. જાથાએ ભ્રમની વાત કરી આખરે પરિવારને નુકશાન થશે, બંને દિકરીનું ભવિષ્ય ધૂંધળું બનશે. કાયદાની ભાષામાં વાત કરી. પૂનમબેન રડવું રોકી શક્યા ન હતા. પોલીસ સ્ટાફ સાથે ભુવા ઉમેશને ઘરે પહોંચતા હાજર બધા અવાચક બની ગયા. જાથાના પંડયાએ ભુવાને કીધું પૂનમબેનન ખર્ચ શા માટે આપો છો? વડોદરા લિવીંગ સર્ટી. લેવા તમારી હાજરી કેમ છે? મહિલા છાત્રાલય ક્યાં છે? ભુવાના ઘરની નીચે જ કેમ પૂનમને મકાન ભાડે અપાવ્યું? અનિલ વાઢેર વિશાલની ભૂમિકા શું છે ? જવાબ આપી શકતા ન હતા. હિંમત આપવી પડી, પાણી પીવડાવવું પડયું, ગળામાં વારંવાર શોષ પડતો હતો. પોલીસે કાયદાની મર્યાદામાં વાત કરી, અંધશ્રદ્ધા ફેલાવવી કાનુની અપરાધ છે. તેના પરિચિત આવતા જાથાએ ભુવાની ભલામણ માટે અવાય નહિ તેવી વાત કરી હતી. પોલીસ સ્ટેશનમાં ભુવો ગોપાલદાદા ભાંગી પડયો હતો. ભૂલ સ્વીકારી કબુલાતનાં, માફી માંગવા તૈયારી બતાવી હતી. ધતિંગ-કપટલીલા કાયમી બંધની ખાત્રી વારંવાર ઉચ્ચારતા હતા. ભુવે નિઃસહાય અવસ્થા દયાજનક હતી. માંડવામાં સાંકળ મારી ધૂણું છું, પંચનો ભુવો છે. પૂનમબેન બોલે છે કે ભુવાદાદા રૂપિયાનો ખર્ચ ઉપાડે છે, હું બોલતો નથી.
કબુલાતનામામાં હું ઉમેશ કેશુભાઈ ઉસડ, ઉ.વ. ૩૩, ધંધો લોન આપવાનું ખોડિયાર માતાનો ભુવો ૬ થી ૭ વર્ષથી છું. આજથી લોકોના દુઃખ, દર્દ, જોવાનું કામ, દાણા નાખવાનું કામ, પાટ નાખવાનું કામ બંધની જાહેરાત કરું છું. મારી પાસે કોઈપણ જાતની મહિલા સંસ્થા નથી. લોકોની માફી માગી બંધની જાહેરાત કરું છું. ભુવાને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા ઓપેરા પ્રિન્સમાં રહેતા રહિશોએ જાથાની વાતમાં સુર પુરાવ્યો હતો. જાથાએ પોલીસ સ્ટેશનમાં અટકાયતી પગલા ભરવા સંબંધી પત્ર પાઠવ્યો હતો.
જાથાએ ૧૨૭૨ મો સફળ પર્દાફાશમાં સુરત રેન્જના આઈ.જી.પી. ગ્રામ્ય પોલીસ વડા, ડીવાય.એસ.પી. આર. આર. સરવૈયા, પો.ઈન્સ. એ. ડી. ચાવડા, કામરેજ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મોહિનીબેન રમણીકભાઈ, એ.એસ.આઈ. બ્રિજેશભાઈ નરેશભાઈ, હેડ કોન્સ્ટે. જયેશભાઈ હરજીભાઈ, પો.કોન્સ્ટે. પરબતભાઈ અભુભાઈ, ઘનશ્યામભાઈ અરવિંદભાઈએ શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી. જાથાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો આભાર માન્યો હતો. જાથાના ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, વ્રજલાલ જસાણી, અશ્વિનભાઈ જસાણી પર્દાફાશ કામગીરીમાં જોડાયા હતા. ભુવાની કપટલીલા કાયમી બંધ કરાવવામાં ભાગીદાર થયા હતા.
