
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પરિવારના ત્રણ સભ્યએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં.
પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતાં આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં આવેલી એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં બીજા માળે સસાંગીયા પરિવાર રહેતા હતા. પરિવારમાં માતા-પિતા અને પુત્ર હતા. 50 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સસાંગીયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પત્ની વનિતાબેન હાઉસવાઈફ હતા. ત્રીસ વર્ષીય પુત્ર હર્ષ પણ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. જો કે, દિવાળી બાદ હીરામાં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી.
હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા. ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા. જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. હાલ જે ફ્લેટમાં રહેતા હતા, તેની લોન ચાલતી હતી. જોકે, છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તાઓ પણ ચૂકવાયા ન હતા, જેથી આર્થિક સંકળામણ આખું પરિવાર અનુભવી રહ્યું હતું.
આ પણ વાંચો, ડેસરના ફાર્મ હાઉસમાં SMC ત્રાટકી, શેર બજારમાં નફાની લાલચે ઠગતું કોલ સેન્ટર પકડાયું
