સુરત- ફેસબુક એકાઉન્ટ પર મહિલાઓ સાથે બિભસ્ત ચેનચાળા કરતા લંપટની ધરપકડ
અવારનવાર સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવીને મહિલા સાથે ચેનચાળા કરવાની ઘટના સામે આવતી રહે છે. માત્ર પોતાનો વિકૃત આનંદ સંતોષવા માટે ફેસબૂક પર ખોટા નામે 6 જેટલાં બોગસ એકાઉન્ટ શરૂ કરી મહિલાઓ સાથે ફેસબૂક વીડિયોકોલ કરી બિભત્સ ચેનચાળા કરનારા યુવાનને સાઇબર પોલીસની ટીમે પકડી પાડ્યો છે. જેણે દસથી વધુ મહિલાને આ રીતે પજવી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. જેમાંથી બે મહિલાએ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
કાપોદ્રા અને રાંદેર પોલીસ મથકમાં આ પ્રકારના બે ગુના નોંધાયા હતા. જેમાં ફેસબૂક પર વીડિયો કોલ કરી એક યુવાન બિભત્સ ચેનચાળા કરતો હોવાનો ઉલ્લેખ હતો. જેના કારણે સાઇબર પોલીસ મથકના પોસઈ જે.બી. આહીર અને તેમની ટીમ આ યુવાનને પકડી પાડવાના કામે લાગી હતી. દિવસોની મહેનત બાદ સાઇબર પોલીસ મથકની ટીમને આ યુવાનને પકડી પાડવામાં સફળતા સાંપડી છે પોલીસે વિમલ કમલેશ ધોરાજિયાની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ 12 ધોરણ પાસ વિમલ કોસ્મેટિકની વસ્તુનું છુટક વેચાણ કરવાનો વ્યવસાય કરતો હતો. જેણે વિકૃત આનંદ માણવા માટે અલગ અલગ છ ખોટા નામે ફેસબૂક પર ફેક એકાઉન્ટ શરૂ કર્યા. ત્યાર પછી મહિલાઓને વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરવાની શરૂઆત કરી. એક પછી એક એમ કુલ દસથી વધુ મહિલાઓને આ રીતે તેણે પરેશાન કરી મૂકી હતી. આખરે તે પકડાઈ ગયો હતો.