
ગુજરાતમાં નકલી અને કૌભાંડના દિવસે ને દિવસે બનાવો સામે આવતા રહે છે. હવે સુરતથી ટોલટેક્સનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતના એક એપાર્ટમેન્ટના પાર્કિગમાં પાર્ક કરેલી કારનો 155 કિમી દૂર વડોદરાના ટોલટેક્સ પર ફાસ્ટેગથી રૂ. 160 કપાઈ ગયા હતા. આ અંગેનો કારમાલિકને મોબાઈલમાં મેસેજ મળતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. બાદમાં આ મામલે NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) અને ફાસ્ટેગ એકાઉન્ટ સાઉથ ઇન્ડિયન બેંકમાં ફરિયાદ નોંધાવી હતી. બન્ને જગ્યાએથી યોગ્ય જવાબ ન મળતાં તેઓ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપવા પહોંચ્યા હતા, પણ પોલીસે ફરિયાદ લેવાનો ઈનકાર કરી દીધો હતો.
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા રઘુવીર સૈફ્રોન એપાર્ટમેન્ટમાં વિમલેશ તાતેડે રહે છે અને ફાઈનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પાસે બાઈક અને એક અર્ટિગા કાર છે. તેઓ મોટા ભાગે શહેરની અંદર ઘર સહિતનાં કામ માટે ટૂ-વ્હીલરનો જ ઉપયોગ કરે છે. તેમની કાર ઘણા સમયથી રઘુવીર સૈફ્રોન એપાર્ટમેન્ટના બેસમેન્ટ પાર્કિંગમાં જ રાખેલી છે. 16 એપ્રિલની રાત્રે 10 વાગ્યે તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો કે વડોદરા ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે ફાસ્ટેગમાંથી રૂ.160 કપાઈ ગયા છે. આ વાંચી તેઓ પરેશાન થઈ ગયા હતા.
તાતેડેની કાર તો લગભગ એક અઠવાડિયાથી પાર્કિંગની બહાર જ નીકળી ન હોવા છતાં અહીં પ્રશ્ન એ ઊઠે છે કે ફાસ્ટેગ કપાઈ કઈ રીતે? આ સાથે સુરતથી વડોદરા જતા એનએચ-48 પર લગભગ 155 કિમીનું અંતર છે. આ રસ્તે અનેક મોટા ટોલ પ્લાઝા આવેલા છે, જેમ કે ભરૂચ નજીકનો ટોલ અને કરજણના આસપાસનો વડોદરા તરફનો ટોલ. તો માત્ર એક ટોલ ટેક્સ પર જ કેવી રીતે ટોલ કપાયો?
આ અંગે ભોગ બનનાર વિમલેશ તાતેડેએ જણાવ્યું હતું કે મને એવી શક્યતા છે કે કોઈએ મારા કાર નંબરની નકલી પ્લેટ બનાવી હોઈ શકે છે અથવા ફાસ્ટેગનું રજિસ્ટ્રેશન ડુપ્લિકેટ બનાવ્યું હોય શકે છે. વાત 160 રૂપિયાની નથી, પણ કોઈ દુરુપયોગ કરે એની છે. આ મામલે મેં NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ને ઓનલાઈન અને લેખિતમાં ફરિયાદ કરી છે, પણ હજુ સુધી કોઈ જવાબ મળ્યો હતો. આ સાથે મારુ ફાસ્ટેગ એકાઉન્ટ સાઉથ ઇન્ડિયન બેંકમાં હોવાથી ત્યાં પણ ફરિયાદ નોંધાવી છે. ચાર દિવસ પસાર થયા છતાં પૈસા રિફંડ મળ્યા નથી કે કોઈપણ સ્પષ્ટ કારણ પણ આપવામાં આવ્યું નથી.
