Site icon Time News

Surat: સુરતની હોટલમાં યુવતી પર ગેંગરેપ, BJPના મહામંત્રીએ મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું

સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભાજપના વોર્ડનો મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો. અહીં પહેલેથી આદિત્યનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત હાજર હતો. બાદમાં બન્નેએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને વોર્ડના મહામંત્રીપદેથી તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

આ અંગેની મળતી માહિતી મુજબ, સુરતના વેડરોડની રહેવાસી 23 વર્ષીય યુવતી રોજિંદાની જેમ બજારમાં ગઈ હતી. ત્યારે ત્યાં તેના ઓળખીતા યુવક આદિત્ય ઉપાધ્યાય સાથે મુલાકાત થઈ હતી. આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ નંબર 8નો મહામંત્રી તરીકે કાર્યરત હતો. તેણે યુવતીને વાતચીતના બહાને પોતાની કારમાં બેસાડીને બહાર લઈ ગયો હતો.

બાદમાં આદિત્યએ તેણે કારમાં કેફી પીણું પીવડાવ્યું હતું, જેથી થોડી ક્ષણોમાં જ યુવતી અર્ધબેભાન થઈ ગઈ હતી. આદિત્ય ઉપાધ્યાય પછી યુવતીને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેનો એક મિત્ર ગૌરવસિંહ રાજપૂત પણ હાજર હતો. અહીં બંને આરોપીએ હોટલના રૂમમાં યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.

ઘટનાની બીભત્સતા એ હતી કે દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી, જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી. સુરત પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ ચલાવી આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતને ઝડપી લીધા છે. બંને સામે સખત કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સમગ્ર કેસમાં ખાસ ધ્યાન ખેંચનાર મુદ્દો એ છે કે મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય સ્થાનિક ભાજપમાં વોર્ડ નં. 8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો. જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતાં BJP સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તરત જ પગલાં લેતાં આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.

હાલ સુરત પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીનાં નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આરોપીઓ રિમાન્ડ મેળવવામાં આવશે, જેથી વધુ ખુલાસા થાય એવી શક્યતા છે.

આ પણ વાંચો, World Bee Day: ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે વિકસાવ્યા ‘સ્માર્ટ મધપૂડા’, મધમાખી ઉછેરને વધુ કાર્યક્ષમ, સરળ અને ફળદાયી બનાવે છે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version