Site icon Time News

સુરતમાં ડમ્પરે મા-દીકરીને કચડ્યા, 22 વર્ષીય માતા અને 3 વર્ષની પુત્રીનું મોત

સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતા 22 વર્ષીય મહિલા રુકશાન ઇમરાન સૈયદ અને તેમની માત્ર 3 વર્ષની માસૂમ દીકરી જૈનમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જી દીધો છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

મળતી માહિતી મુજબ, રુકશાન ઇમરાન સૈયદ પોતાની 3 વર્ષની દીકરી જૈનમ સાથે મોપેડ પર ડીંડોલી આવાસ તરફ જઈ રહી હતી. તે દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં બેફામ ઝડપે આવી રહેલા ડમ્પરે તેમની મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પરે માતા અને દીકરીને કચડી નાખ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. માહિતી મળતા જ ભેસ્તાન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની અટકાયત કરી લીધી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Exit mobile version