સુરત: ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરત ફરી એકવાર AI ટેકનોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ માટે ક્રાંતિ લાવતું પ્રથમ શહેર બની ગયું છે. AI હવે રસ્તાઓ પર ફેંકાયેલા કચરાને પકડી પાડશે અને કચરો ફેંકનારાને તુરંત દંડ ફટકારશે.
સુરત મહાનગરપાલિકાએ સફાઈ વ્યવસ્થાને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવા માટે AI આધારિત ઓટોમેટિક કચરો નાખી ગંદકી ફેલાવતા લોકોને પકડવાની સિસ્ટમ શરૂ કરી છે. આ નવી ટેક્નોલોજીકલ સિસ્ટમ સુરત ઈન્ટેલિજન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સંકળાયેલું છે, જ્યાં 3000થી વધુ CCTV કેમેરા 24 કલાક શહેરની સફાઈ પર નજર રાખે છે.AI ટેક્નોલોજી સૌપ્રથમ શહેરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાથી લાઈવ ફીડ એકઠી કરે છે.જો કોઈ જાહેર સ્થળે કચરાનો ઢગલો હોય, ગંદકી ફેલાયેલી હોય અથવા કોઈ વ્યક્તિ કચરો ફેંકતી હોય, તો AI તેને તરત જ ઓળખી અને ICCCને જાણ કરે છે. જો કોઈ વ્યક્તિ કચરો ફેંકતો હોય તો AI તેની ઓળખ પણ કરે છે અને દંડ માટે રિપોર્ટ જનરેટ કરે છે.
જોકે, આ માહિતી SMCના આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે, જે પછી દંડ ફટકારવામાં આવે છે. સફાઈ માટે આ ટેકનોલોજીનો પ્રયોગ શરૂ થઈ ગયો છે અને તેનાથી પ્રભાવી પરિણામ મળવા લાગ્યા છે. AI દ્વારા 2100થી વધુ જગ્યાઓએ કચરાના ઢગલાની ઓળખ થઈ. જેમાં 700 લોકોની ઓળખ કરીને તેઓને રૂ. 51,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જે સ્થળોએ વારંવાર કચરો થાય છે ત્યાં વધુ કેમેરા લગાવવામાં આવશે જેથી કચરો ફેંકનારાઓને ઝડપથી પકડી શકાય.
