મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટથી ઝટકો, વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગ કરતી અરજી ફગાવી

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ મસ્જિદ વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શાહી ઈદગાહ મસ્જિદનો જ્ઞાનવાપી જેવો સર્વે કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટ તરફથી હિન્દુ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કૃષ્ણના જન્મસ્થળ, મથુરાના શાહી ઇદગાહ મસ્જિદ-જ્ઞાનવાપીની તર્જ પર વૈજ્ઞાનિક સર્વેક્ષણનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને મસ્જિદના સર્વે અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા વિવાદિત મસ્જિદના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં અરજદારે વિનંતી કરી હતી કે, જ્ઞાનવાપી સર્વેની જેમ આ સ્થળનો પણ સર્વે કરવામાં આવે જેથી આ સ્થળનું ઐતિહાસિક અને સ્થાપત્ય મહત્વ જાણી શકાય.સુપ્રીમ કોર્ટે મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. વાસ્તવમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અગાઉ જુલાઈમાં અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેની અરજીમાં ટ્રસ્ટે 1968માં હસ્તાક્ષર કરાયેલ કરારની માન્યતા સામે દલીલ કરી તેને એક છેતરપિંડી ગણાવી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જમીનની સત્તાવાર રીતે ઈદગાહ નામથી નોંધણી કરાવી શકાતી નથી. કારણ કે તેનો ટેક્સ મથુરાના કટરા કેશવ દેવના ઉપનામ હેઠળ વસૂલવામાં આવી રહ્યો છે.
કાશી અને મથુરા વચ્ચેનો વિવાદ પણ કંઈક અંશે અયોધ્યા જેવો છે. હિન્દુઓનો દાવો છે કે, ઔરંગઝેબે કાશી અને મથુરામાં મંદિરો તોડીને ત્યાં મસ્જિદો બનાવી હતી. ઔરંગઝેબે 1669માં કાશીમાં વિશ્વનાથ મંદિરને તોડી પાડ્યું હતું અને 1670માં મથુરામાં ભગવાન કેશવદેવના મંદિરને તોડી પાડવાનો આદેશ જાહેર કર્યો હતો. આ પછી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. મથુરામાં આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલિકી હક્ક સાથે સંબંધિત છે. હિન્દુ પક્ષ તરફથી શાહી ઇદગાહ મસ્જિદને હટાવીને શ્રી કૃષ્ણના જન્મસ્થળને આ જમીન આપવાની માંગ કરવામાં આવી છે.