ભાજપમાં એક જ દિવસમાં બીજી વિકેટ પડી:ગુજરાત પ્રદેશ મહામંત્રી બાદ વડોદરા શહેર મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામુ આપ્યું
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાં બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપી દેતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હાલ વડોદરા ભાજપમાં રાજીમાનાને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. રાજીનામું આપ્યું કે પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું એ રહસ્ય છે. જોકે તેમના રાજકારણ પાછળ તાજેતરમાં મેયર પત્રિકાકાંડ હોવાનું મનાઈ રહ્યું છે.
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યાની જાહેરાત થયા બાદ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. દરમિયાન વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીએ પણ ત્રણ દિવસ અગાઉ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રીને અંગત કારણોસર રાજીનામું આપી દીધાની આજે સત્તાવાર જાહેરાત શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે કરી છે, આથી ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરાના પૂર્વ મેયર અને હાલના શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ ત્રણ દિવસ અગાઉ પ્રદેશ ભાજપ-પ્રમુખ અને સંગઠન મંત્રીને રાજીનામું આપી દીધું હોવાનું કહેવાય છે. તાજેતરમાં મેયર વિરુદ્ધ નનામી પત્રિકા બહાર પાડનાર ભાજપના જ કોર્પોરેટર અલ્પેશ લિમ્બચિયા અને તેના સંબંધી ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ થતાં તેમની ધરપકડ પણ થઈ હતી, જે પત્રિકાકાંડને લઇ રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
નોંધનીય છે કે પત્રિકાકાંડ બાદ ભાજપની છબિ ખરડાઈ છે, સાથે સાથે મહામંત્રી વિરુદ્ધ વડોદરાના એક ધારાસભ્ય દ્વારા અવારનવાર પ્રદેશ પ્રમુખને ફરિયાદો કરવામાં આવતી હતી. બીજી બાજુ, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શહેર ભાજપ મહામંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ તેમને પ્રદેશ કક્ષાએ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં ભાજપ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું.
શહેર ભાજપ-પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે મહામંત્રીપદેથી સુનીલ સોલંકી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને શહેર ભાજપ દ્વારા રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. તેમને મહામંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ મેયર તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. ઉપરાંત અન્ય હોદ્દાઓ પર પણ તેમણે જવાબદારી નિભાવી છે.