અચાનક નાણાંમંત્રી અરુણ જેટલી પહોંચ્યા સારવાર માટે અમેરિકા, શુ બજેટમાં રહેશે ગેરહાજર
નાણામંત્રી અરુણ જેટલી અચાનક તેમની કિડની સંબંધી સારવાર માટે અમેરિકા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરુણ જેટલી રવિવારે રાતે જ અમેરિકા જવા માટે રવાના થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, તેમણે 14 મે 2018ના રોજ જ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવ્યું હતું અને છેલ્લા 9 મહિનામાં તેમણે કોઈ વિદેશ યાત્રા પણ કરી નથી. તેમને ગયા વર્ષે એપ્રિલમાં AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને ત્યાં તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા હતા. જે બાદ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભાજપ સરકાર 1 ફેબ્રુઆરીએ તેમનું છઠ્ઠુ બજેટ રજૂ કરવાની છે. આ વર્ષે જ લોકસભા ચૂંટણી હોવાથી આ બજેટને વચગાળાનું બજેટ જ માનવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરુણ જેટલી આ મહિનાના અંત સુધીમાં અમેરિકાથી પરત આવી જશે પરંતુ તેઓ બજેટ સત્રમાં હાજર રહેશે કે નહીં તે વિશે અટકળો ચાલી રહી છે.


