સુભાષબ્રિજ RTO સામે ભ્રષ્ટાચારની તપાસમાં દોષીની કરાશે બદલી-આર. સી. ફળદુ
રાજ્યના વાહનવ્યવહાર મંત્રીએ સુભાષબ્રિજ આરટીઓ એસ. પી. મુનિયા સામે ભ્રષ્ટાચારની તપાસના આદેશ આપ્યો છે તથા તપાસમાં યોગ્યતા જણાય તો તાત્કાલિક બદલી કરવા પણ સૂચના આપી છે. અરજદાર હરીશ પટેલે આક્ષેપ કર્યો હતો કે, સુભાષબ્રિજ આરટીઓ એસ. પી. મુનિયા ગેરરીતિ આચરનારાને છાવરી મનમાની કરે છે. અરજદારોનાં નાણાં પરત મળતાં નથી.
નાણાં વસૂલવાની વૈકલ્પિક વ્યવસ્થા નથી. સોફ્ટવેરની ખામી હોય તો પણ આડેધડ ટેક્સ વસૂલાય છે. અરજદારો માટે પૂરતી વ્યવસ્થા નથી. લોકો લૂંટાતા હોવાથી સરકારની ઇમેજ ખરડાઈ છે.
આરટીઓ એસ.પી.મુનિયા સત્તાનો દુરુપયોગ કરી મોટરિંગ પબ્લિકનું કામ કરનારી સંસ્થાના સંચાલકોને ધમકી આપે છે. તપાસ થાય તો ગેરરીતિ બહાર આવી શકે છે. આરટીઓના ભ્રષ્ટાચાર ઉજાગર કરતા ચાર પાનાના પત્ર અંતર્ગત તપાસ થાય તેવી વિનંતી અરજદારે કરી હતી. રજૂઆતને ગંભીરતાથી લઈ વાહનવ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ તપાસના આદેશ આપ્યા છે.