ગુજરાત

સતત બીજા દિવસે STના કર્મચારીઓ હડતાળ પર હોવાના કારણે મુસાફરો પરેશાન

આજે બીજા દિવસે પણ એસટીના કર્મચારીઓની હડતાળ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા છતાં એટલું પૂરતું નહીં હોવાથી ખાનગી વાહનચાલકોએ આજે પણ બમણાથી ત્રણ ગણાં ભાડાં વસૂલવાનું ચાલુ કરતાં મજબૂરીના માર્યા પ્રવાસીઓ લૂંટાઇ રહ્યા છે. નોક‌િરયાત વર્ગ, વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ સહિત હજારો પ્રવાસીઓ અન્ય વાહન વ્યવસ્થા માટે રસ્તા પર તડકામાં તપી રહ્યા છે. દૂરની હોસ્પિટલ કે સામા‌િજક પ્રસંગોએ પહોંચવા ઇચ્છતા પ્રવાસીઓ આજે પણ અટવાયા છે. એસટી કમૃચારીઓની બીજા દિવસની હડતાળના પગલે ખાનગી ટેક્સી સર્વિસના ભાવ પણ બમણા થયા છે. જે તે સ્થળે સામાન્ય રીતે રૂ.૧૦૦માં પહોંચતા મુસાફરો રૂ.રપ૦થી વધુ-બેથી ત્રણ ગણું ભાડું ચૂકવવા મજબૂર બન્યા છે.

શહેરની ખાનગી બસોને હાલ પૂરતી નિયમ અને ધારાધોરણમાં છૂટ અપાઇ છે. એસટી કર્મચારી સંઘના પ્રમુખ સતુભા ગોહિલે જણાવ્યું હતું કે અમે અમારી પડતર માગણીઓના ઉકેલ મુદ્દે મક્કમ છીએ. સરકારે તેનો ઉકેલ લાવવો જોઇએ. પ્રજાની હેરાનગતિનો અમારો કોઇ આશય નથી. હડતાળના પગલે એસટીના કર્મચારીઓ આજે સવારે અર્ધનગ્ન થઇને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદની ૭૦૦થી વધુ અને રાજ્યની ૮૦૦૦થી વધુ એસટી બસો આજે બીજા દિવસે પણ બંધ છે. શહેરમાં ૧૩ ‌પિકઅપ સ્ટેન્ડ પરથી રપ૦ ખાનગી બસો દોડાવવાની વ્યવસ્થા પૂરતી નથી. પ્રવાસીઓની સંખ્યાના પ્રમાણમાં ખાનગી બસની વ્યવસ્થા પૂરતી નહીં હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સવારથી અન્ય ખાનગી વાહન વ્યવસ્થાનો સહારો લઇ રહ્યા છે અને આ વાહનચાલકો ક્ષમતાથી વધુ અને સામાન્ય ભાડાથી ત્રણ ગણાં ભાડાં લઇ રહ્યા છે.

રાજ્યના ૪પ હજાર એસટી કર્મચારીઓ આજે બીજા દિવસે પણ કામકાજથી અળગા રહ્યા છે. જે પ્રવાસીઓને આજે પણ ખબર નથી કે એસટી બસ વ્યવસ્થા બંધ છે તેઓ ડેપો પર પહોંચ્યા બાદ અટવાઇ ગયા હતા.જેમણે એસટી બસની વર્ધી લીધી હતી તેમણે ખાનગી બસનો સહારો લેવો પડ્યો હતો, જેના સામાન્ય ભાવથી બમણાં ભાડાં ચૂકવવા પડ્યાં હતાં.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button