રાજ્ય સરકારનો વધુ એક મોટો નિર્ણય, સવર્ણોને 10 ટકા અનામતની જાહેરાત કરાઇ
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામતની જાહેરાત કરાઇ હતી. બિન અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ આપી હાલ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય પ્રમાણે, સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને હવેથી 5 વર્ષની છૂટ મળશે. આ નિર્ણયથી 45 વર્ષની ઉંમર સુધીના લોકોને સરકારે છૂટ મળશે.
બિન અનામત વર્ગના યુવાનોની વય મર્યાદા વધારવા માટે ઘણા સમયથી માંગ હતી, જે ભલામણને સરકારે ચૂંટણી સમયે ધ્યાને રાખતા રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં બિન અનામત વર્ગને સરકારી નોકરીઓમાં પાંચ વર્ષની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવો નિયમ સરકારની આવનારી જાહેરાતોમાંથી જ લાગુ કરાશે. એટલે તે તેનો અમલ 01-01-2019થી કરવામાં આવશે.
રાજ્ય સરકાર સામે ઘણા લાબાં સમયથી પડતર માંગણી પર ચર્ચા કરવામાં આવી રહી હતી. અનામત આયોગે સરકાર સમક્ષ માગણી કરી હતી કે SC, STની જેમ બિન અનામત વર્ગના લોકોને વય મર્યાદામાં છૂટછાટ મળવી જોઇએ, સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી કે જો 10 ટકા અનામતનો લાભ મળી રહ્યો છે તો ઉંમરમાં પણ છૂટછાટ મળવી જોઇએ. જેથી સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ કેન્દ્ર સરકારે સવર્ણો માટે મહત્વની જાહેરાત કરી હતી. મોદી સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામતની મંજૂરી આપવામાં આવી છે.