શ્રીનગરમાં ઠંડીનો 28 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, તાપમાન -7.8 ડિગ્રી
સમગ્ર ઉત્તર ભારતમાં ખૂબ ઠંડી પડી રહી છે. મનાલીમાં ગુરુવારે બરફવર્ષા થઈ હતી.હરિયાણાના હિસારમાં બુધવારે 22 વર્ષમાં બીજી વખત ડિસેમ્બરમાં સૌથી વધારે ઠંડી પડી હતી. અહીં તાપમાન માઈનસ 1 ડિગ્રી થઈ ગયું હતું. આ પહેલાં અહીં 1996માં ડિસેમ્બર મહિનામાં જ 1.8 ડિગ્રી અને 2013માં માઈનસ એક ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. શ્રીનગરમાં ઠંડીનો 28 વર્ષનો રેકોર્ડ ટૂટ્યો છે. અહીં આજે માઈનસ 7.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાનના ફતેહપુરમાં બુધવારનું તાપમાન માઈનસ 2.8 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે દ્રાસ સેક્ટર સૌથી વધારે ઠંડુ નોંધવામાં આવ્યું હતું. અહીનું તાપમાન માઈનસ 20.6 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. કારગીલમાં તાપમાન માઈનસ 16.2 ડિગ્રી થઈ ગયું છે. ખૂબ જ ઠંડીના કારણે શ્રીનગર અને તેની આસપાસ પાઈપમાં પાણી જામી જવાના કારણે અહીં પાણી પૂરવઠો ઠપ થઈ ગયો છે.
નવી દિલ્હીમાં બુધવારનો દિવસ સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. અહીં ન્યૂનતમ તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 10 દિવસ સુધી આટલી જ ઠંડી રહેવાની શક્યતા છે. ઠંડી વધારે વધવાની શક્યતા છે. તે ઉપરાંત દિલ્હીમાં ગઈકાલની રાતની ઠંડીએ પાછળના ઘણાં રેકોર્ડ તોડી દીધાં છે.