સચિન તેંડુલકરે પત્ની સાથે લીધી કચ્છની મુલાકાત
ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કચ્છના સફેદ રણને જોવા માટે તેમની પત્ની અંજલી અને અન્ય ચાર મિત્રો સાથે કચ્છની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સચિને ટેન્ટસિટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ સફેદ રણમાં મિત્રો સાથે મજા કરી હતી. તેઓ મુંબઈથી ફ્લાઈટમાં ભૂજ એરપોર્ટ પર ઉતર્યા હતા અને તેઓ સીધા માંડવી બીચ પર આવેલાં સેરેના બીચ રીસોર્ટ જવા માટે રવાના થયાં હતાં. જો કે સચીન તેંડૂલકરની આ મુલાકાત સંપૂર્ણ અંગત હતી. ભુજ એરપોર્ટ ખાતે ક્રિકેટર સચિન તેંડુલકરની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પહોંચ્યા હતાં.
સચિને મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે કચ્છની મુલાકાતનો અનુભવ ખુબ સારો રહ્યો. પહેલા અમે માંડવી બીચ પર ગયા હતા. જ્યાં અમે ખુબ સારો સમય વિતાવ્યો હતો. કચ્છના સફેદ રણ વિશે તો નાનપણથી જ સાંભળતા આવીએ છીએ. ત્યારે આ મુલાકાત દરમિયાન ઘણો સારો અનુભવ થયો હતો. સાથે જ કહ્યું કે દુનિયામાં આવી જગ્યા ક્યાંય પણ નહિં હોય. આપણે દુનિયાની ઘણી અલગ અલગ જગ્યાઓ વિશે સાંભળતા હશુ પણ આપણા દેશમાં જ આટલી સરસ જગ્યા છે. જેને એક્સપ્લોર કરવી જોઈએ. હું બધાને એ જ કહીશ કે આપણા દેશમાં આટલી સરસ જગ્યા છે તો પહેલા એની જ મુલાકાત લ્યો. મેં દુનિયા આખી ફરી છે. પણ અહીંનો અનુભવ ખુબ સારો અને અલગ હતો. મારા માટે આ યાદગાર અનુભવ રહ્યો છે.