કુંભમાં મૌની અમાસના દિવસે આજે કર્યું બીજુ શાહીસ્નાન
કુંભમેળાના બીજા શાહીસ્નાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. માઘી અમાસ (મૌની અમાસ) અને સોમવતી અમાસના શુભ સંયોગ પર મધરાતથી જ ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી છે. સંગમઘાટ પર સૌથી પહેલાં સવારે ૬.૧પ વાગ્યે મહાનિર્વાણી અને અટલ અખાડાએ સ્નાન કર્યું હતું.
ત્યારબાદ શ્રી પંચાયતી નિરંજની અખાડા, તપોનિધિ શ્રી પંચાયતી આનંદ, પંચદશનામ જૂના અખાડા, અગ્નિ, આહ્વાન અખાડાના સંતોએ ડૂબકી લગાવી હતી. તમામ અખાડાને અમરત્વ સ્નાન માટે ૪૦ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓ હાલ ૪૧ ઘાટ પર સ્નાન કરી રહ્યા છે. કુંભમેળા પ્રશાસને આજે ત્રણ કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે તેવી શક્યતા દર્શાવી છે.
આજે લોકોની ભારે ભીડ ઊમટવાની હોવાથી ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે. પેરામિલિટરીની ૧૭ કંપનીઓ, આરએએફ, બીએસએફ, સીઆરપીએફ, એસએસબી, આઈટીબીપી અને અન્ય અર્ધસૈનિક દળોની ૩૭ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. એનડીઆરએફની ૧૦ કંપનીઓ પણ કુંભના સ્થળે મૂકવામાં આવી છે. હોમગાર્ડના ૧૪ હજાર જવાન પણ ફરજ પર મૂકવામાં આવ્યા છે. ૧૧૧ ઘોડેસવાર પોલીસ તમામ ઘાટથી સંગમ સુધી નજર રાખી રહ્યા છે.
માઘ મહિનાની કૃષ્ણ પક્ષની અમાસને મૌની અમાસ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કુંભ પહેલા તીર્થંકર ઋષભદેવે લાંબી તપશ્ચર્યાનું મૌનવ્રત તોડ્યું હતું અને સંગમના પવિત્ર જળમાં સ્નાન કર્યું હતું. સનાતન ધર્મમાં દરેક અમાસનું ખાસ મહત્ત્વ છે. આ વખતે સોમવતી અને મૌની અમાસનો મહોદય યોગ બન્યો છે. દુર્લભ યોગમાં ગંગાસ્નાન, દાન-પુણ્ય કરવાથી રાહુ, કેતુ અને શનિ સંબંધિત કષ્ટથી મુક્તિ મળે તેવી પ્રાચીન માન્યતા પણ છે.
કુંભમાં કુલ ત્રણ શાહીસ્નાન અને ૬ સ્નાન થવાનાં છે. ૧પ જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વે પહેલું શાહીસ્નાન યોજાયું હતું. ત્રીજું શાહીસ્નાન વસંતપંચમી એટલે કે ૧૦ ફેબ્રુઆરીના દિવસે યોજાશે. મહાશિવરાત્રી ૪ માર્ચના રોજ અંતિમ સ્નાન સાથે કુંભનું સમાપન થશે.