
સ્પીપા ખાતે તાલીમ મેળવીને સફળ થયેલા ૨૬ તાલીમાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સફળ થયેલા સ્પીપાના તાલીમાર્થીઓને સન્માનિત કર્યા હતા. યુપીએસસીમાં સફળતા મેળવનાર તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજો અદા કરતા સામાન્ય માણસને મદદરૂપ થવાનો ભાવ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. મુખ્યમંત્રીએ સફળ થયેલા તાલીમાર્થીઓને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જાહેર વહીવટ ક્ષેત્રે તેમની ફરજો અદા કરવા અનુરોધ કર્યો હતો.
દેશમાં સેમિકન્ડકટર જેવા નવીન ક્ષેત્રોથી લઈને નાગરિકોની પાયાની જરૂરિયાતો સુધીનાં તમામ ક્ષેત્રે અવિરત વિકાસ જોવા મળી રહ્યો છે, એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આપણી સંસ્કૃતિ અને વારસાનું સંવર્ધન થઈ રહ્યું છે. ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ હોય કે આવા અન્ય અભિયાનો હોય, પ્રજાજનો આજે સ્વયંભૂ જાગૃત થઇને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન આપવા આગળ આવી રહ્યા છે.
સ્પીપાના ડાયરેકટર જનરલ હારિત શુક્લા દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા તથા સંસ્થાના ભાવિષ્યલક્ષી આયોજનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમણે સિવિલ સર્વિસ પરીક્ષાઓમાં સફળ થતા ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાયમાં કરવામાં આવેલા વધારાની વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ અને સ્પીપા જેવી સંસ્થાઓ ગુજરાતના યુવાઓના સામર્થ્યને યોગ્ય મંચ પૂરો પાડીને તેમને સફળતાના શિખરો સર કરવામાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે. સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા (સ્પીપા) ખાતે તાલીમ મેળવીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં કુલ ૨૬ તાલીમાર્થીઓ સફળ થયા છે.સન્માન સમારોહમાં સન્માનિત થયેલા તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સફળ ઉમેદવારોની સિદ્ધિઓ, તૈયારીઓ અને સ્પીપાની વ્યવસ્થા તથા સુવિધાઓ દર્શાવતી ટૂંકી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, તાલીમાર્થીઓના પરિવારજનો, સ્પીપાના અધિકારી – કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો, Pakistan: ‘જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો….’, પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે ફરી આપી ધમકી
