દક્ષિણ કોરિયા: PM મોદીએ કહ્યું, 20મી સદીમાં મહાત્મા ગાંધી માનવ જાતિને સૌથી મોટી ભેટ
વડાપ્રધાન મોદી બે દિવસની યાત્રા અંતર્ગત ગુરૂવારે દક્ષિણ કોરિયા પહોંચ્યા. લોટે હોટલમાં તેઓએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી. જે બાદ તેઓએ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું. અહીં તેઓ રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સાથે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરવા અંગે વાતચીત કરશે. મોદીને સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. 1988માં સિયોલ ઓલમ્પિકના સફળ આયોજન પછી આ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યો છે. મોદી આ સન્માન મેળવનાર 14મી વ્યક્તિ છે.
પીએમમોદીએ કહ્યું- મહાત્મા ગાંધી કહેતા હતા કે પરમાત્માએ મનુષ્યની જરૂરિયાત (નીડ) માટે બધું જ આપ્યું છે, પરંતુ મનુષ્યની ગ્રીડ માટે આ દરેક વસ્તુ ઓછી પડશે. એટલે જ મનુષ્યને નીડ પ્રમાણે જીવન જીવતા શીખવું જોઈએ, ન કે ગ્રીડ પ્રમાણે. તેઓએ વધુમાં કહ્યું કે, “ગાંધીજીના સમયમાં કોઈ ગ્લોબલ વોર્મિગ પર ચર્ચા કરતા ન હતા. તેઓએ કોઈ કાર્બન ફુટ પ્રિન્ટ્સ નથી છોડ્યાં. તેઓએ હંમેશા આવનારી પેઢી માટે સંશાધન છોડવાની વાત કરી. તેઓ કહેતા હતા કે જો અમે એવું નહીં કરીએ તો આપણે આપણાં બાળકોનો ભાગ પણ ખાઈ લેશું, તેમનો અધિકાર લઈ લઈશું. માનવજાતિ આજે આતંકવાદની સમસ્યાથી પીડિત છે. ગાંધીજીનો સંદેશ અહિંસાના માધ્યમથી હ્રદય પરિવર્તનના માધ્યમથી હિંસાના રસ્તે ગયેલાં લોકોને પાછા લાવવાનો, માનવીય શક્તિઓને એકત્ર થવાનો સંદેશો આજે પણ લોકોને આપે છે. આ જમીન (દક્ષિણ કોરિયા)ની સંતાન મારા મિત્ર બાન કી મૂન જ્યારે યુએસ સેક્રેટરી જનરલ હતા ત્યારે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિને યુએનમાં પૂરા વિશ્વમાં અહિંસા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો. આ આતંકવાદ વિરૂદ્ધ દેશોને લડવાનું જોર આપે છે.”
લોકસભા ચૂંટણી પહેલાં મોદીની આ છેલ્લી વિદેશ યાત્રા માનવામાં આવે છે. જોકે હજી મોદી ભુટાન યાત્રા ઉપર જાય તેવી પણ શક્યતા છે, પરંતુ તે માટે હજી બંને દેશો તરફથી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. આ દરમિયાન દક્ષિણ કોરિયાના ડિપ્લોમેટે સિયોલમાં કહ્યું કે, 2017માં સત્તા મેળવનાર રાષ્ટ્રપતિ મૂને દેશના પારંપારિક ફોકસ જેમાં યુએસ, જાપાન, ચીન અને રશિયા સામેલ છે તે સિવાય હવે સધર્ન પોલિસી અંર્તગત ભારતને પણ સામેલ કરવામાં આવે છે.